બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, રણ વિસ્તાર બેટમાં ફેરવાયું
નડાબેટ બોર્ડર પાસે રણ વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યા માત્ર પાણીની જ પાણી જોવા મળી રહ્યું છે.
બનાસકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સૂઈગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નડાબેટ બોર્ડર પાસે રણ વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યા માત્ર પાણીની જ પાણી જોવા મળી રહ્યું છે. જો કે ભારે વરસાદની વચ્ચે પણ બોર્ડર પર બીએસએફ જવાનો ફરજ બજાવે છે.
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. સરહદીય વાવ,થરાદ અને સુઇગામમાં વરસાદી માહોલ જામ્યો છે. થરાદમાં આઠ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રોડ-રસ્તા અને થરાદ સચોર હાઇવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે.
બનાસકાંઠાના થરાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. ધોધમાર વરસાદ આવતાં જ ઠેર-ઠેર પાણી ભરાવાના દ્રશ્ય સામે આવ્યા છે. થરાદમાં આઠ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા થરાદ સાચોર હાઇવે ઉપર વરસાદી પાણી ભરાયા હતા. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ચલાવવું મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ ખેતરોમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. થરાદ સાચોર હાઇવે ઉપર હાઇવેનું કામ ચાલુ હોવાના કારણે ખાડા પડવાથી પાણી ભરાયા હોવાની સમસ્યા છે. હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તંત્ર પણ દોડતું થયું હતું. થરાદ સાચોર હાઇવે ઉપર ભરાયેલ પાણીના નિકાલ કરાવા મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આઠ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. થરાદ સાચોર હાઇવે ઉપર આવેલી માર્બલની દુકાનોમાં પણ પાણી ઘુસ્યા છે. જોકે મામલતદારે સબ સલામતના દાવા હોવાની વાત કરી છે.
બનાસકાંઠામાં મેઘરાજા સવારથી જ ધમાકાદેર બેટિંગ કરી રહ્યા છે. સવારથી અત્યારસુધી થરાદમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના સુઈગામમાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. લાખણીમાં પણ સાડા ત્રણ ઈંચ, પાલનપુરમાં અઢી ઈંચ, વાવમાં અઢી ઈંચ અને વડગામમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદની આગાહીને પગલે NDRFની એક ટીમ પાલનપુરમાં તૈનાત કરાઈ છે. ધોધમાર વરસાદથી થરાદથી ઢીમા જતા રસ્તો પર પાણી ભરાયા છે. થરાદના ભાપી, દોલતપુરા સહિત 25 ગામોનો જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે. રોડ ઉપર ઘૂંટણ સમાં પાણી ભરાયા છે. જેથી વાહન વ્યવહાર ખોરવાયો છે. થરાદ એપીએમસી માર્કેટયાર્ડ પાછળના ભાગે વરસાદી પાણી ભરાતા રોડ ઉપર પાણી ભરાયા છે.





















