SABARKANTHA : હિંમતનગરમાં નવજાત બાળકીને દાટી દેનાર નિષ્ઠુર માતા-પિતાની ધરપકડ, બાળકીને દાંટવા પાછળ ચોંકાવનારો ખુલાસો કર્યો
Himmatnagar News : માતાએ સ્વિકાર્યું છે કે તેણે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી દીધી હતી.
Himmatnagar : હિંમતનગરના ગાભોઈ ગામમા ખુદ મા’એ જન્મ આપીને નવજાત બાળકીને ખેતરમાં દફનાવી દીધી,પિતાએ પહેરો કરી ને કોઈ જોઈ ન જાય તેનું ધ્યાન રાખ્યું..ખેડૂતે દટાયેલો પગ જોતા જ જમીન ખોદતા રડતી બાળકી નિકળી.
બાળકીને દાટી દેનાર નિષ્ઠુર માતા-પિતા મળી આવ્યાં
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. તે બાળકીનાં માતા પિતા મળી આવ્યાં છે. માતાએ સ્વિકાર્યું છે કે તેણે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી દીધી હતી. અધૂરા માસે જન્મેલ બાળક, અને બાળકી જન્મી આ ઉપરાંત પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા આ ત્રણેય કારણોસર બાળકીને દાટી દેવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
કડી તાલુકામાં આવેલ નંદાસણની નજીક ડાંગરવા ગામથી માતા - પિતાની ધરપકડ કરવામાં આવી છે. તેઓ છેલ્લા 15 દિવસથી સાસરી ગાંભોઈમાં આવ્યાં હતાં. ગાંભોઈ પોલીસે ધરપકડ કરી તેમની ગુનો નોંધ્યો છે.
ખેતરમાં દાટી દીધી હતી બાળકી
રામ રાખે તેને કોણ ચાખે…આ વાત જાણે કે સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ માં સાબિત થઈ છે. ખેતરમાં એક નવજાત બાળકના પગ જમીનમાં દટાયેલુ જેવુ ખેતર માલિકને નજર આવ્યુ હતુ. બાળકનો જમીનમાંથી પગ માત્ર જ બહાર દેખાઈ રહ્યો હતો અને જેને લઈ તેણે ત્યાં નજીક પહોંચીને જોયુ તો નવજાત દાટેલી હાલતમાં બાળકી હતી.
ખેડૂત પોતાના ખેતરમાં દટાયેલા પગને જોઈને ખેતરને અડકીને આવેલી વિજ તંત્રની કચેરીના કર્મચારીને જાણ કરી હતી. જેથી કર્મચારી દોડતો ખેતરમાં આવીને બાળકીના પગ વાળી જગ્યાને હાથ વડે ખોદીને બાળકીને બહાર નિકાળી હતી. બાળકી બહાર નિકાળી ખેડૂત અને અન્ય દોડી આવેલા લોકોના આશ્ચર્ય વચ્ચે રડવા લાગી હતી. આમ રડતી બાળકીના શરીર પર લાગેલ માટી હટાવી 108ની ટીમને બોલાવી હતી.
હાલમાં બાળકીને સ્થિતી સ્થિર
બાળકીને સ્થિતીને જોઈને 108ની ટીમ પ્રથમ ગાંભોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં હિંમતનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં બાળકીને તેની સ્થિતી જોઈને કૃત્રિમ શ્વાસોશ્વાસની આપવાની શરુઆત કરી હતી. બાળકીનુ વજન પણ અધૂરા માસે જન્મ આપ્યો હોવાનુ લાગતા તેની સારવાર અને દરકાર પણ વિશેષ રૂપે શરુ કરી દેવામાં આવી હતી. સિવિલના સુપ્રિટેન્ડન્ટ આશિષ કતારકરે જણાવ્યુ હતુ કે, હાલમાં બાળકીને સ્થિતી સ્થિર છે. તેનો જન્મ અધૂરા માસે થયો હોવાનુ જણાઈ રહ્યુ છે. આ માટે તેનુ વજન ઓછુ છે, એ માટે પણ અમે તેની સારવાર હાથ ધરી છે.