લોકરક્ષક ભરતીની અરજી સ્વીકારવાનું શરુ, જાણો કઈ છે છેલ્લી તારીખ ?
લોકરક્ષક ભરતી માટેની અરજી સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉમેદવારો ભરતી માટે ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન આવેદન કરી શકશે.
ગાંધીનગર: લોકરક્ષક ભરતી માટેની અરજી સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉમેદવારો ભરતી માટે ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન આવેદન કરી શકશે. આ ભરતીમાં કુલ 10 હજાર 459 પદો પર ભરતી થવાની છે. જેમાં પુરુષ ઉમેદવારો 8 હજાર 476 અને 1983 મહિલા પદ પર ભરતી થશે. જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 નવેંબર, 2021 છે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.
PSI અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પોલીસ અને LRD ની સીધી ભરતીમાં 15 અને 8 નો નિર્ણય બદલ્યો છે.
પોલીસના સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી પરીક્ષા નિયમોમાં સબ ઇન્સપેક્ટર સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ૧૫ ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે અને તે મુજબ લોક રક્ષક સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ૦૮ ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે ઉમેદવારોને તે પછીના તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની જોગવાઇ રદ કરવા માટે રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ઉમેદવારો તરફથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી.
યુવાનોની માંગ સરકારે માની છે. શારીરિક કસોટી પાસ કરતાં સીધી લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહેશે. જે અંગે રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના હિતમાં હકારાત્મક વિચારણા કરીને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકે અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ કોઇપણ ઉમેદવાર આ તકથી વંચિત ન રહે તે લક્ષમાં લઇને ઉમેદવારોના હિતમાં પરીક્ષા નિયમોમ જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે કોવિડના કારણે પેન્ડીંગ રહેલ પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે, એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ.
ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ગૃહ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં તા.૧૯.૯.ર૦ર૧ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષશ્રીઓ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમિક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યાં હતા.