Rain: ચોમાસાના પ્રથમ 3 દિવસમાં જ 'મેઘો મહેરબાન', સિઝનનો સરેરાશ 13 ટકા વરસાદ વરસ્યો, ક્યાં-કેટલો પડ્યો ?
Rain: ચોમાસાનું શાનદાર આગામન થતા ગુજરાતીઓ ખુશ થયા છે. ચોમાસાના પ્રથમ 3 દિવસમાં જ સિઝનનો સરેરાશ 13 ટકા વરસાદ ખાબક્યો છે

Rain: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ છે. નૈઋુત્યના ચોમાસાનં સારી રીતે આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે. ખરેખરમાં, ચોમાસાને બેસ્યાને હજુ ગુજરાતમાં ત્રણ દિવસ જ થયા છે, પરંતુ રાજ્યમાં વરસાદે નવો રેકોર્ડ બનાવ્યો છે. ચોમાસાના પ્રથમ ત્રણ દિવસમાં જ રાજ્યમાં સરેરાશ 13 ટકા વરસાદ વરસતા નદી-નાળા અને ડેમો ભરાવવા લાગ્યા છે. મોટાભાગના નદીઓમાં નવા નીર આવ્યા છે. તાજા અપડેટ પ્રમાણે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં 10 ઇંચ પડ્યો છે.
ચોમાસાનું શાનદાર આગામન થતા ગુજરાતીઓ ખુશ થયા છે. ચોમાસાના પ્રથમ 3 દિવસમાં જ સિઝનનો સરેરાશ 13 ટકા વરસાદ ખાબક્યો છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે, ગુજરાતમાં 13 ટકા વરસાદની સાથે ચોમાસાનું સારુ આગમન થયુ છે, ખેડૂતો ખુશ થયા છે. કચ્છમાં સિઝનનો સરેરાશ 18 ટકા વરસાદ વરસ્યો છે. તો વળી, ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 8.15 ટકા વરસાદ નોંધાય છે, પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 12.7 ટકા વરસાદ પડ્યો છે, સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 20.12 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 8.99 ટકા વરસાદ પડતા લોકોને ગરમીથી છૂટકારો મળ્યો છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 તાલુકામાં 10 થી 20 ઈંચ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં કુલ 53 તાલુકામાં 5 થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં 122 તાલુકામાં 2 થી 5 ઈંચ વરસાદ નોંધાયો છે અને 2 ઈંચ કરતા ઓછો વરસાદ વાળા માત્ર 54 તાલુકા જ છે.
રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં 160 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ ડાંગમાં 10 ઇંચ અને વલસાડના કપરાડામાં 9.5 ઇંચ વરસાદ પડ્યો હતો. અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઇમાં 7.7 ઇંચ, સુબીરમાં 7.1 ઇંચ, વલસાડના ધરમપુરમાં 6.6 ઇંચ, નવસારીના વાંસદામાં 6.3 ઇંચ, ખેરગામમાં 4.8 ઇંચ, તાપીના ધોલવાણમાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 61 તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. હવામાન વિભાગે આજે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.





















