(Source: ECI | ABP NEWS)
આગામી 3 દિવસ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે – પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: મધ્યપ્રદેશ પરનું મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય; અરબી સમુદ્ર સુધી લંબાયેલો ટ્રફ રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર લાવશે.

Paresh Goswami Forecast: ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ માટે તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, હાલ મધ્યપ્રદેશ ઉપર એક ખૂબ જ મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમનો ટ્રફ અરબસાગર સુધી લંબાયેલો હોવાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે.
ગોસ્વામીના મતે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આ વિસ્તારોમાં વરુણદેવ મહેરબાન થઈ શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને જનજીવનને અસર થવાની સંભાવના છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સારા એવા વરસાદની નોંધણી થઈ શકે છે, જેનાથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ પ્રબળ બની છે.
આ સિસ્ટમની સીધી અસર હેઠળ, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળી શકે છે. નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.
અંબાલાલ પટેલની રથયાત્રા માટે આગાહી
ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી સમયના વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રથયાત્રાના પાવન પર્વે રાજ્યમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જેમાં અમીછાંટણા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.
અંબાલાલ પટેલના મતે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની આગાહી છે. આ દરમિયાન પવનનું જોર પણ રહેશે. તેમણે વીજળીના પ્રકાર અંગે પણ રસપ્રદ માહિતી આપી હતી. જો વીજળી "લાલ ભડાકા" જેવી થાય તો પવનનું જોર વધુ રહેશે, જ્યારે સફેદ વીજળી થાય તો સારો વરસાદ થવાની સંભાવના છે. જો વીજળીનો પ્રકોપ એવો હોય કે માણસ અંજાઈ જાય, તો તે વીજળીના પ્રકોપનો સંકેત છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજે, જૂન 26, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પૂર્વ ગુજરાતના પંચમહાલ તથા મહિસાગર જિલ્લાઓમાં વરસાદ થશે. અંબાલાલ પટેલની સૌથી મહત્વની આગાહી જૂન 26 થી જૂન 30 વચ્ચે રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની છે. ત્યારબાદ, જૂન 30 થી જુલાઈ 8 સુધી ગુજરાતના ઘણા ભાગો જળબંબાકાર થવાની શક્યતા છે, જેમાં નદીઓમાં પૂર આવવાની સંભાવના રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.
ચોમાસાનું જોર ઘટશે
જુલાઈ મહિનાના મધ્યમાં પણ વરસાદની શક્યતા છે. જુલાઈ 9 થી જુલાઈ 15 વચ્ચે પણ ઘણા ભાગોમાં વરસાદ થશે. જોકે, જુલાઈ 18 બાદ ચોમાસાનું જોર ધીમે ધીમે ઘટશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે. આ આગાહીને પગલે તંત્ર અને નાગરિકો બંનેએ સાવચેત રહેવું જરૂરી છે.





















