Gujarat Rain: આવતીકાલે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કાલે પણ વરસાદ પડશે.

અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કાલે પણ વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આવતીકાલે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
17 જૂન મંગળવારના દિવસે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી , ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી થઈ ગઈ છે. તોફાની બેટિંગ સાથે ચોમાસાની શરૂઆત થઇ છે. આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગ મુજબ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત,અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદને લઇને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજય પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે ચોમાસાએ એટ્રી સાથે જ વરસાદે જમાવટ કરી છે. ઉત્તરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, બંગાળની ખાડીમાં 2-2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે ટ્રફ લાઈન સર્જાઈ છે. જે વરસાદી પવનોને ખેંચી રહ્યો છે.
કોઝવે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો
બુઢણા ગામથી પાલીતાણા તાલુકા પંથકને જોડતો સ્ટેટ આરએનબી વિભાગ હસ્તકનો આ કોઝવે છે. જે આજે સવારે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો હતો. પાણીના ભારે પ્રવાહના કારણે લોખંડની ગ્રીલ પણ પાણીમા તણાઈ હતી. વરસાદના પાણીના કારણે આ કોઝવેના બે ભાગ થઈ ચૂક્યા છે. જેના કારણે આસપાસના પાંચ જેટલા ગામોનો મુખ્ય હાઈવે માર્ગ બંધ થયો છે. સ્થાનિક પ્રશાસન કોઝવેની મરામત કરાવવા માટે કામે લાગ્યા છે. હાલ પણ કોઝવે ઉપરથી ભારે પ્રવાહ સાથે પાણી વહી રહ્યું છે.
ભાવનગર જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મહુવા, તળાજા, વલ્લભીપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાલીતાણા, જેસર અને સિહોર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી ભાવનગર જિલ્લાની નદીઓ બે કાંઠે થઈ છે.





















