Gujarat Rain: રાજ્યના 164 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ શહેરામાં 8 ઈંચથી વધુ વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમેહર થઈ છે. વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
ગાંધીનગર: ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમેહર થઈ છે. વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ શહેરામાં નોંધાયો છે. અહીં 8 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ગોધરામાં 7 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. મોરવા હડફમાં 6 ઈંચ, તલોદમાં 6 ઈંચ, લુણાવાડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
છોટાઉદેપુરના બોડેલી તાલુકામાંથી પસાર થતી હેરણ નદીમાં ઘોડા પૂર આવ્યું છે. રાજ વાસણા ગામ નજીક આડબંધ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો છે.
બોડેલીના મુલધર અને જબુગામ વચ્ચેથી પસાર થતી મેરિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મુલધર - ટીમ્બી ગામના લોકો માટે કામચલાઉ રસ્તો બંધ થયો છે. નદીમાં પાણીના હોઈ ત્યારે લોકો તૂટેલા કોઝવે થકી નદીમાંથી પસાર થતા હતા. બોડેલી જબુગામ તરફ જતા મુલધર ટીંબી, ચાચક સહિતના ગામોના લોકોને સામે કિનારે જવું હોય તો 1 કિમીની જગ્યા 15 કિમીનો ફેરો ફરવા મજબૂર થવુ પડે છે.
રાજ્યના આ જિલ્લા માટે આગામી ત્રણ કલાક ભારે
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે વરસાદ વરસશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં આગામી 3 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.
જ્યારે અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભરુચ, નર્મદા અને સુરતમાં પણ આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, નવસારી, ડાંગ, તાપી અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.