Narmada Dam: નર્મદા ડેમની સપાટી હાઇલેવલ પર, 138 મીટરથી ઉપર નીકળતાં 42 ગામોને કરાયા એલર્ટ
Narmada River Dam News: રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, વરસાદે છેલ્લા ચાર દિવસથી જોર પકડ્યુ છે, મધ્યથી લઇને દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં તાબડતોડ બેટિંગ થઇ રહી છે
Narmada River Dam News: રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, વરસાદે છેલ્લા ચાર દિવસથી જોર પકડ્યુ છે, મધ્યથી લઇને દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં તાબડતોડ બેટિંગ થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 90થી વધુ તાલુકાઓમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. વડોદરા અને વિસાવદરમાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ બધાની વચ્ચે નર્મદા ડેમની જળસપાટીને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. ફરી એકવાર નર્મદા ડેમની જળસપાટી વધી રહી છે. હાલમાં મહત્તમ સપાટીથી માત્ર 7 સેમી જ દુર છે.
તાજા અપડેટ પ્રમાણે, સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 સેમી દૂર છે. નર્મદા ડેમની જળસપાટી 138.61 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી હાલ 81 હજાર 260 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ રહી છે. નર્મદા નદીમાં 80 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાતા ડેમના ત્રણ દરવાજા 1.30 મીટર ખોલીને નર્મદા નદીમાં પાણી છોડાઇ રહ્યું છે. ખાસ વાત છે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી આવકમાં સતત વધારો થતાં આજુબાજુના એટલે કે નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારના ગામને એલર્ટ કરાયા છે.
રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સાવર્ત્રિક વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગની નદીઓ અને સરોવરા છલકાઇ ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam)માં પાણીની આવક વધી રહી છે. નર્મદા નદી બે કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના ગામને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.
રાજ્યમાં આ સિઝનમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે, આ વખતે રાજ્યમાં સિઝનનો 137 ટકા વરસાદ ખાબક્યો છે, આમાં કચ્છમાં સિઝનનો 185 ટકા વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સિઝનનો 114 ટકા વરસાદ પડ્યો છે, મધ્ય ગુજરાતમાં સિઝનનો 133 ટકા વરસાદ થયો છે, સૌરાષ્ટ્રમાં સિઝનનો 147 ટકા વરસાદ વરસ્યો છે, અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
ચોમાસાની સિઝનમાં ક્યા ડેમ થયા ઓવરફ્લો
ધોધમાર વરસાદને લીધે રાજ્યના 207માંથી પૈકી 122 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 100 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. તો મધ્ય ગુજરાતના 10 દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો છલોછલ થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 ડેમ હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 158 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ, જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે
આ પણ વાંચો
Rain News: આજે પણ આ 25થી વધુ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી, જાણો વિગતે