Heat Wave: ગુજરાતમાં પ્રચંડ ગરમીની આગાહી, આજે કયા શહેરોને અપાયું રેડ અને ઓરેન્જ એલર્ટ ?
Gujarat Heat Wave: રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન સતત ઉંચું જઇ શકે છે. હવામાન વિભાગે ગુજરાત માટે ખાસ કરીને આજે કચ્છ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપ્યુ છે

Gujarat Heat Wave: રાજ્યમાં સતત ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં એપ્રિલની શરૂઆતમાં જ સૂર્યદેવે આગ વરસાવવાનું શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગે હાલમાં જ એક મોટી આગાહી કરીને ગુજરાતવાસીઓને ચિંતામાં મુકી દીધા છે.
રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન સતત ઉંચું જઇ શકે છે. હવામાન વિભાગે ગુજરાત માટે ખાસ કરીને આજે કચ્છ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપ્યુ છે, જ્યારે રાજકોટ અને મોરબીમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આગાહી પ્રમાણે, રાજ્યના 9 જિલ્લાઓમાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે, શનિવારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે શનિવારે 42 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. આ ઉપરાંત શનિવારે 15 શહેરોમાં આંશિકથી લઈ સાડા છ ડિગ્રી તાપમાન ઉંચકાયુ હતુ.
આગામી 6 દિવસ ગુજરાતભરમાં ગરમી ભૂક્કા બોલાવશે. ગુજરાતમાં હિટવેવ યથાવત રહેવાનો છે, કાળઝાળ ગરમી વચ્ચે પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે જ કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં પણ ગરમીનું યલો એલર્ટ અપાયું છે. જ્યારે 6ઠ્ઠી એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગરમાં આકરો પ્રકોપ પડી રહ્યો છે. આજે બપોરે દોઢ વાગ્યે જ ગરમીનો પારો 40 ડિગ્રીને નજીક પહોંચ્યો છે. ચાર વાગ્યા સુધીમાં પારો ઉંચકાઈને 42 ડિગ્રીને આંબે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આકરી ગરમી વચ્ચે બપોર થતા જ જાહેર માર્ગો પર કર્ફ્યૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પ્રશાસને લોકોને કામ સિવાય ઘર બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે અને હિટવેવની આગાહીને લઈને સિવિલ હૉસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવની યલો અને ઑરેન્જની આગાહી કરી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવની યલો ઍલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે.





















