Gujarat Rain: વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ
રાજકોટ: રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદે મહેર કરી છે. તો બીજી તરફ ક્યાંક ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામમો પણ કરવો પડી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
રાજકોટ: રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદે મહેર કરી છે. તો બીજી તરફ ક્યાંક ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામમો પણ કરવો પડી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નદી,તળાવો અને ચેકડેમોમાં નવા નીર આવ્યા છે. જેને લઈને બાળકોથી લઈને યુવાનો તેમા ન્હાવાની મોજ માણી રહ્યા છે. જો આ બધાની વચ્ચે એક શોકના સમાચાર સામે આવ્યા છે.
વરસાદી પાણીના ખાડામાં ન્હાવા પડતા બે બાળકોના મોત થતા ચકચાર મચી ગઈ છે. શાપર વેરાવળમાં બે સગાભાઈના મોતથી અરેરાટી મચી ગઈ છે. આ અંગે વિગતે વાત કરીએ તો, આ બાળકોના માતા પિતા કડિયા કામ કરતા હતા, જેથી તેઓ કામ અર્થે સાઇટ પર ગયા હતા. આ દરમિયામ બન્ને બાળકો ઘરે એકલા હતા. જેથી તેઓ ન્હાવા માટે બહાર ગયા, જો કે સાંજે જ્યારે તેમના માતા પિતા ઘરે આવ્યા ત્યારે તેમણે શોધખોણ કરી પરંતુ બન્ને બાળકોનો ક્યાંય પતો ન લાગ્યો. આખરે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. જે બાદ પોલીસે તપાસ કરતા બન્ને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ૫ વર્ષ અને ૯ વર્ષની ઉંમરના અર્જુન અને અશ્વીનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
રાજકોટના લોધિકા પાસે નદીના પૂરમાં તણાઇ કાર
રાજકોટઃ રાજકોટના લોધિકા પાસે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના લોધિકામાં શુક્રવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકા પંથકમાં શુક્રવારે સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે લોધિકા પાસે આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીમા પ્રવાહમાં એક કાર તણાઇ ગઇ હતી. જોકે આ ઘટનાની જાણ ગામના લોકોને થતા તેઓએ કારમાં સવાર સાત લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ગામના તરવૈયાઓએ પોતાનો જીવને જોખમમાં મુકીને નદીમાં કૂદી પડ્યા હતા. બાદમાં સાતેય લોકોને દોરડા વડે ખેંચીને નદીના પૂરમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ
નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં વરસાદ વરસ્યો હતો. પલસાણામાં આઠ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના દિયોદરમાં પોણા આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારીના ખેરગામમાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરતના બારડોલીમાં પણ પાંચ ઇચ વરસાદ વરસ્યો હતો. ડિસામાં પાંચ ઇંચ, અમીરગઢમાં પાંચ ઇંચ, સુરતના ચોર્યાસીમાં પોણા પાંચ ઇંચ, વલસાડ તાલુકામાં સાડા ચાર ઇંચ, વલસાડના પારડીમાં સવા ચાર ઇંચ, નવસારી તાલુકામાં ચાર ઇંચ, સુરત શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સુરત શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.