News: ચૂંટણી ટાણે આપને વધુ એક ઝટકો, આપ નેતા મનિષ સિસોદિયાની જામીન અરજી કોર્ટે ફરીથી ફગાવી
થોડા દિવસો પહેલા રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનિષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો
Delhi News: આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદિયાને ફરી એકવાર કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. દિલ્હી કોર્ટે દારૂ નીતિ કૌભાંડ કેસમાં તેમની જામીન અરજી ફગાવી દીધી છે. આ બીજી વખત છે જ્યારે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
અગાઉ, નીચલી અદાલત, HC અને SCએ તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. રાઉઝ એવન્યૂ કોર્ટના આ નિર્ણયને પડકારતાં મનિષ સિસોદિયા હવે હાઈકોર્ટમાં જશે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનિષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટમાં જજ કાવેરી બાવેજા સમક્ષ સુનાવણી દરમિયાન સીબીઆઈએ કહ્યું હતું કે સિસોદિયા આ કૌભાંડના કિંગપિન છે, તેથી તેમને જામીન ન આપવા જોઈએ. સીબીઆઈએ કહ્યું કે જો સિસોદિયાને જામીન આપવામાં આવે છે, તો તેઓ દબાણ દ્વારા પુરાવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવા માટે તેમના પ્રભાવનો ઉપયોગ કરી શકે છે.
CBIએ જામીનના વિરોધમાં આપી હતી આ દલીલો
સીબીઆઈએ દલીલ કરી હતી કે અમે વારંવાર કહ્યું છે કે તે કિંગપિન છે અને તેની અરજીમાં વિલંબનું કારણ છે. અમે જણાવ્યું છે કે વિલંબના કારણો શું છે. આ જ કોર્ટે તેના અગાઉના આદેશમાં પણ સ્વીકાર્યું છે કે મનિષ સિસોદિયા માસ્ટરમાઇન્ડ છે. અગાઉની સુનાવણી દરમિયાન સિસોદિયા વતી દલીલો થઈ ચૂકી હોવાથી, રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયા વિરુદ્ધ ED અને CBIમાં નોંધાયેલા કેસ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જેનો આજે ચુકાદો આપવામાં આવ્યો હતો અને તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.
કેમ ધરપકડ થઇ હતી મનિષ સિસોદિયાની ?
મનિષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી, 2023ના રોજ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દિલ્હી એક્સાઇઝ પૉલીસી 2021-22ની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર બદલ ધરપકડ કરવામાં આવી હતી.
શું છે મામલો ?
22 માર્ચ, 2021 ના રોજ મનિષ સિસોદિયાએ નવી દારૂ નીતિની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર 2021 ના રોજ નવી દારૂ નીતિ એટલે કે આબકારી નીતિ 2021-22 લાગુ કરવામાં આવી હતી. દારૂની નવી નીતિ લાવ્યા બાદ સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી અને તમામ દારૂની દુકાનો ખાનગી હાથમાં ગઈ. નવી નીતિ લાવવા પાછળ સરકારનો તર્ક હતો કે તેનાથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે, નવી નીતિ શરૂઆતથી જ વિવાદમાં હતી. જ્યારે વિવાદ વધ્યો, 28 જુલાઈ, 2022 ના રોજ સરકારે તેની દારૂ નીતિ રદ કરી અને ફરીથી જૂની નીતિ લાગુ કરી.