Delhi Accident : દિલ્હીમાં નશેડીઓના હાથે અકસ્માતનો ભોગ બનેલી યુવતીની કહાની રડાવી દેશે
અધુરામાં પુરૂ મૃતકની માતા કિડનીની બિમારીથી પીડિત છે. તેની બંને કિડની ફેલ થઈ ગઈ છે. આમ મૃતક યુવતીના પરિજનો માટે તો માથેથી જાણે છત્ર જ છીનવાઈ ગયું છે.
Victim Girl was only Earner in House : દિલ્હી આઉટરના સુલતાનપુરી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટનામાં પરિવાર વિશે મહત્વની વાત સામે આવી છે. મૃતક યુવતીના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. ઘરમાં બે બહેનો, બે ભાઈઓ અને માતા રહે છે. એક મોટી બહેન પરણિત છે. આ ઘટનામાં મૃત્યું પામેલી 23 વર્ષીય યુવતી જ આખા ઘરમાં એક માત્ર કમાનાર વ્યક્તિ હતી. અધુરામાં પુરૂ મૃતકની માતા કિડનીની બિમારીથી પીડિત છે. તેની બંને કિડની ફેલ થઈ ગઈ છે. આમ મૃતક યુવતીના પરિજનો માટે તો માથેથી જાણે છત્ર જ છીનવાઈ ગયું છે.
મળતી માહિતી મુજબ, ઘરખર્ચથી લઈને અન્ય તમામ જરૂરિયાતો મૃતક યુવતી જ પૂરી કરતી હતી. હાલ તે એક ઈવેન્ટ કંપનીમાં નોકરી કરતી હતી. પરિવારનો સહારો છીનવાઈ જવાથી સોખોઈ પર જાણે દુઃખનો પહાડ તુટી પડ્યો છે. પરિવારની સ્થિતિ એવી છે કે, કોઈ વાત કરવાની પણ સ્થિતિમાં નથી. યુવતીનો પરિવાર દિલ્હીના અમન વિહાર વિસ્તારમાં રહે છે. તેના ઘરમાં માતા અને ચાર બહેનો છે અને બે નાના ભાઈઓ છે. એક ભાઈ 13 વર્ષનો અને બીજો ભાઈ 9 વર્ષનો છે. 8 વર્ષ પહેલા પિતાનું અવસાન થયું, એક બહેન પરણિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ પરિવાર ઘેરા આઘાતમાં છે. આ ઘટના અંગે માતાએ ડીસીપી સાથે વાત કરી હતી.
પરિવારે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ પુત્રી પાર્ટી (ઇવેન્ટ કંપની) માટે થોડું કામ હોવાનું કહીને ઘરેથી નીકળી હતી. રાત્રે 9 વાગે પુત્રીએ ઘરે ફોન કરીને રાત્રે પરત આવીશ તેમ જણાવ્યું હતું. પરિવારે રાત્રે 10 વાગે અંજલિને ફોન કર્યો હતો, પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. દિલ્હી પોલીસે સવારે 8 વાગ્યે પરિવારને અકસ્માતની જાણ કરી હતી.
યુવતીને કારમાં ચાર કિમી સુધી ઢસડી
ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે કારની અડફેટે આવી જતાં એક યુવતીનું મોત નિપજ્યું હતું. સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનના કાંઝાવાલા વિસ્તારમાં પાંચ છોકરાઓ છોકરીને કારમાં લગભગ 8 કિલોમીટર સુધી ઢસડી ગયા હતાં, જેના કારણે છોકરીનું દર્દનાક રીતે મૃત્યુ થયું હતું. યુવતી શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે સ્કૂટી પર ઘરે જઈ રહી હતી તે દરમિયાન કાર સાથે તેનો અકસ્માત થયો હતો.
શરીર પર એક પણ કપડુ જ નહોતું બચ્યું
કાર દ્વારા 8કિલોમીટર સુધી ઢસડવાના જવાને કારણે બાળકીના શરીર પરથી તમામ કપડા ફાટી થઈ ગયા હતા. શરીરે અનેક ઈજાઓ હતી. તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દિલ્હી પોલીસ તેને અકસ્માત ગણાવી રહી છે. જો કે, જે મૃતક યુવતીના શરીરની હાલત એવી છે કે, ભલભલા કઠણ કાળજાનો માનવી પણ તેને જોઈ ના શકે. યુવતીનું શરીર જ લગભગ રોડ સાથે ઘસાઈ ગયેલી સ્થિતિમાં છે. યુવતીના બંને પગ જ કપાઈ ગયા હતા. દુર્ઘટનાગ્રસ્ત કાર અને સ્કુટીની તપાસ માટે દિલ્હી ફોરેન્સિક વિભાગની ટીમ સુલતાનપુરી પોલીસ સ્ટેશન પહોંચી હતી.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટનાની નોંધ લીધી છે અને DCP આઉટરને સમન્સ નોટિસ ફટકારી છે. DCWના વડા સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને કેટલાક રેકોર્ડ રજૂ કરવા કહ્યું છે.