આજે I.N.D.I.A. ગઠબંધનની સંકલન સમિતિની પ્રથમ બેઠક, ચૂંટણીની રણનીતિ અને બેઠકોની ફાળવણી મુદ્દે થશે ચર્ચા
India Alliance Coordination Committee Meeting: સંકલન સમિતિમાં વિવિધ વિરોધ પક્ષોના 14 નેતાઓનો સમાવેશ થાય છે
India Alliance Coordination Committee Meeting: 'ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ' (I.N.D.I.A.) ની કોઓર્ડિનેશન કમિટીની પ્રથમ બેઠક બુધવારે (13 સપ્ટેમ્બર)ના રોજ યોજાશે. એવું માનવામાં આવે છે કે આ બેઠકના એજન્ડામાં બેઠકોની ફાળવણીના ફોર્મ્યુલા અને લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચાર અભિયાનની રણનીતિ પર વ્યાપક ચર્ચા થશે.
સંકલન સમિતિમાં વિવિધ વિરોધ પક્ષોના 14 નેતાઓનો સમાવેશ થાય છે. એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે સાંજે સમિતિની બેઠક યોજાશે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણા વિપક્ષી પક્ષોના નેતાઓએ ટૂંક સમયમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર કરવાની માંગ કરી છે. તે સુનિશ્ચિત કરવા માટે કે લોકસભાની બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે વિપક્ષ તરફથી એક સંયુક્ત ઉમેદવાર ઊભો કરવામાં આવે.
બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા કેવી રીતે નક્કી થશે?
ઘણા નેતાઓ માને છે કે આવી ફોર્મ્યુલા લાગુ કરવા માટે પક્ષોએ તેમના અહંકાર અને સ્વાર્થ છોડવા પડશે. સીટની વહેંચણીનો માપદંડ શું હશે તે અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી .તાજેતરના ચૂંટણી પરિણામોને જોતા કોઈપણ બેઠક પર પક્ષોની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવશે તેવું માનવામાં આવે છે.
આ મામલાની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે આ બેઠકમાં સીટ વહેંચણીનો મુદ્દો નક્કી નહીં થાય તો પણ તેના પર વિચાર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી નેતાઓ પણ ભાજપને ટક્કર આપવા માટે ચૂંટણી પ્રચારમાં મોટો ખર્ચ કરશે.
AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું- ત્રણ વસ્તુઓ છોડવી પડશે
સંકલન સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે લોકો સુધી પહોંચવા, સંયુક્ત રેલીઓનું આયોજન અને ડોર-ટુ-ડોર અભિયાન ચલાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જે દરેક રાજ્ય માટે અલગ હશે. આ ગઠબંધનને સફળ બનાવવા માટે તેમાં સામેલ દરેક રાજકીય પક્ષે ત્રણ બાબતોનું બલિદાન આપવું પડશે - મહત્વાકાંક્ષા, મતભેદ અને મનભેદ.
આ નેતાઓને સંકલન સમિતિમાં સામેલ કરવામાં આવ્યા
'ઇન્ડિયા' ગઠબંધનની સંકલન સમિતિના સભ્યોમાં કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ, ડીએમકે નેતા ટીઆર બાલુ, જેએમએમ નેતા હેમંત સોરેન, શિવસેના-યુબીટી નેતા સંજય રાઉત, આરજેડી નેતા તેજસ્વી યાદવ, AAP નેતા રાઘવ ચઢ્ઢા, સમાજવાદી પાર્ટીના નેતા જાવેદ અલી ખાન, JDU નેતા લલન સિંહ, CPI નેતા ડી રાજા, નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા, PDP નેતા મહેબૂબા મુફ્તી, TMC નેતા અભિષેક બેનર્જી અને CPI-Mના એક સભ્યનો સમાવેશ થાય છે.
બેઠકમાં આ બાબતો પર પણ વિચાર કરવામાં આવશે
આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા ચૂંટણી પ્રચાર અને રેલીઓને લઇને અંતિમ નિર્ણય લેવા પર પણ ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત, નેતાઓ સંકલન સમિતિના વિવિધ પેટા જૂથો જેમ કે કેમ્પેઇન કમિટી, વર્કિગ ગ્રુપ ઓન મીડિયા, રિસર્ચ એન્ડ સોશિયલ મીડિયા ગ્રુપની બેઠકોમાં લેવામાં આવેલા નિર્ણયો પર નજર રાખશે.