Corona Update: 6 એપ્રિલ બાદ આજે સૌથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 3380 લોકોના મોત
આજે દેશમાં સતત 23માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે તેમ છતાં મોતના આંકડા સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 20 હજાર 529 નવા કોરોના કેસ આવ્યા અને 3380 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 1 લાખ 97 હજાર 894 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસોમાં 80745 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા આટલા ઓછા કેસ 6 એપ્રિલના રોજ (1.15 લાખ) નોંધાયા હતા.
આજે દેશમાં સતત 23માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે. 4 જૂન સુધી દેશભરમાં 22 કરોડ 78 લાખ 60 હજાર કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 36 લાખ 50 હજાર લોકોને રસી આપવામાં આવી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 36 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 6 ટકાથી વધારે છે.
દેશમાં આજે કોરોનાની સ્થિતિ
કુલ કોરોના કેસ - બે કરોડ 86 લાખ 94 હજાર 879
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 67 લાખ 94 હજાર 549
કુલ એક્ટિવ કેસ - 15 લાખ 55 હજાર 248
કુલ મોત - 3 લાખ 44 હજાર 22
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકાથી વધારે થઈ ગયો છે. એક્ટિવ કેસ ઘટીને 6 ટકાથી ઓછા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
ગુજરાતમાં કોરોનાના આંકડા
ગુજરાતમાં ગઈકાલે 1120 નવા કેસ નોંધાયા છે અને 16 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9906 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3398 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.07 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,82,374 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22110 પર પહોંચ્યો છે. જેમાંથી 412 દર્દી વેન્ટિલેટર પર અને 21698 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.07 ટકા છે.
ગઈકાલે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરત 2, જામનગર કોર્પોરેશનમાં 1, ખેડામાં 1, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1, જામનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 અને નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 16 દર્દીઓના મોત થયા છે.