Marriage Certificate: આર્ય સમાજની વિધિથી લગ્ન કરો છો ? વાંચો, સુપ્રીમ કોર્ટે શું કહ્યું
Aray Samaj Marriage Certificate: સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લગ્નનું પ્રમાણપત્ર આપવાનો આર્યસમાજને બંધારણીય રીતે કોઈ જ અધિકાર મળ્યો નથી. લગ્ન પ્રમાણપત્ર આપવાનું આર્યસમાજના અધિકારક્ષેત્રની બહાર છે.
Marriage Certificate: દેશમાં મોટાભાગના લોકો તેમના રિતરિવાજ મુજબ લગ્ન કરતા હોય છે. જોકે ઘણા લોકો કોર્ટ મેરેજ, આર્ય સમાજ, ગાયત્રી વિધિથી લગ્ન કરતા હોય છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આર્ય સમાજના લગ્નને લઈ મોટો ચુકાદો આપ્યો છે.
શું છે મામલો
મધ્યપ્રદેશના એક લવમેરેજના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આર્ય સમાજના લગ્ન પ્રમાણપત્રને માન્ય રાખવાનો ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લગ્નનું પ્રમાણપત્ર આપવાનો આર્યસમાજને બંધારણીય રીતે કોઈ જ અધિકાર મળ્યો નથી. લગ્ન પ્રમાણપત્ર આપવાનું આર્યસમાજના અધિકારક્ષેત્રની બહાર છે. એ કામ નિયત સરકારી વિભાગ જ કરી શકે છે. લગ્ન પહેલાં ભારતના બંધારણ પ્રમાણે વિગતોની ચકાસણી કરવાની ટકોર પણ સુપ્રીમ કોર્ટે આર્ય સમાજને કરી હતી.
હાઈકોર્ટે આર્ય સમાજને શું કર્યું સૂચન
સુપ્રીમ કોર્ટમાં મધ્યપ્રદેશના એક પ્રેમલગ્નના કેસની સુનાવણી થઈ હતી. મધ્યપ્રદેશના એક યુવકે 18 વર્ષથી ઓછી વયની કિશોરી સાથે આર્ય સમાજમાં પ્રેમલગ્ન કર્યા હતા. એ મુદ્દે કિશોરીના પરિવારે યુવક સામે કેસ દાખલ કર્યો હતો. યુવતીના પરિવારે યુવક સામે પોક્સો હેઠળ અપહરણ-રેપની ફરિયાદ નોંધાવી હતી. એ મુદ્દો મધ્યપ્રદેશમાં હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. યુવક વતી દલીલ થઈ હતી કે કિશોરીએ તેની મરજીથી લગ્ન કર્યા હતા. હાઈકોર્ટે એ માન્ય રાખીને યુવકને જામીન આપ્યા હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટે આર્યસમાજે જારી કરેલું લગ્નનું પ્રમાણપત્ર અમાન્ય ઠેરવ્યું ન હતું. જોકે, હાઈકોર્ટે એ વખતે આર્યસમાજને સૂચન કર્યું હતું કે લગ્ન સર્ટિફિકેટમાં ભારતના મેરેજ એક્ટ-1954ના સેક્શન5,6,7 અને 8ને સામેલ કરે તે વધુ યોગ્ય ગણાશે.
એ પછી એ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ અજય રસ્તોગી અને ન્યાયધીશ બી. વી. નાગરત્નાની બેંચે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આર્યસમાજના લગ્ન પ્રમાણપત્રને માન્ય રાખવાનો ઈનકાર કર્યો હતો. યુવકે મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિસભાએ જારી કરેલું લગ્ન પ્રમાણપત્ર કોર્ટમાં રજૂ કર્યું હતું, સુપ્રીમ કોર્ટે તેને માન્ય ગણ્યું ન હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લગ્ન પ્રમાણપત્ર આપવું તે આર્યસમાજના અધિકારક્ષેત્રની બહાર છે. આર્યસમાજને લગ્નનું પ્રમાણપત્ર આપવાનો બંધારણીય અધિકાર અપાયો નથી. આર્ય સમાજ લગ્નનું પ્રમાણપત્ર કેવી રીતે આપી શકે? એ કામ તો નિયત સરકારી વિભાગનું છે. સુપ્રીમ કોર્ટે આર્ય સમાજને લગ્ન પહેલાં બંધારણીય રીતે નક્કી થયેલા દસ્તાવેજોની ચકાસણી કરવાની ટકોર પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે એ કેસમાં લગ્નનું સરકાર માન્ય પ્રમાણપત્ર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.