Tomato Price Drop: લો કરો વાત! હવે આ રાજ્યની સરકાર ટામેટા વેચશે, જાણો એક કિલોનો કેટલો રહેશે ભાવ?
લોકોને રાહત આપવા માટે ઓછા ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લીધો છે
દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. તમિલનાડુ સરકારે આ વધતી કિંમતોને લઈને ફાર્મ ફ્રેશ આઉટલેટ્સ મારફતે લોકોને રાહત આપવા માટે ઓછા ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લીધો છે. ટામેટાંની વધતી કિંમતોથી લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે મંગળવારે (4 જુલાઈ) તેને રાશનની દુકાનો પર 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનું શરૂ કર્યું હતું. સહકાર મંત્રી કે.આર.પેરિયાકરુપ્પને કહ્યું હતું કે જો જરૂર પડશે તો આ અભિયાનને રાજ્યના અન્ય ભાગોમાં પણ વિસ્તારવામાં આવશે.
પડોશી રાજ્યોમાંથી સપ્લાયમાં વિલંબને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો
સોમવારે (3 જુલાઈ) સચિવાલયમાં મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાશનની દુકાનો મારફતે ટામેટાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં એવું કહેવામાં આવ્યું હતું કે પડોશી રાજ્યોમાંથી ટામેટાંની સપ્લાયમાં વિલંબને કારણે ભાવમાં વધારો થયો છે. સહકારી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે એક પરિવારને દરરોજ એક કિલો ટામેટાં આપવાની યોજના બનાવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તે ઉત્તર ચેન્નઈમાં 32 સ્થળો અને મધ્ય-દક્ષિણ ચેન્નઈમાં 25 વાજબી ભાવની દુકાનો પર વેચવામાં આવશે.
સૂત્રના જણાવ્યા અનુસાર, કોયમબેડુ જથ્થાબંધ બજારમાં ટામેટાની છૂટક કિંમત 110 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે શહેરના કેટલાક ભાગોમાં તે ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. ટામેટાં ઉપરાંત લીલા મરચાં, લસણ, ધાણા અને આદુના ભાવ પણ આસમાને છે અને તેના ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે.
દેશમાં ટામેટાંના ભાવમાં વધારો
દેશના વિવિધ રાજ્યોમાં ટામેટાના ભાવ આસમાને છે. દિલ્હીમાં ટામેટાં 100થી 140 રૂપિયા પ્રતિ કિલો, નોઈડામાં 160 રૂપિયા પ્રતિ કિલો, ગાઝિયાબાદમાં 150 રૂપિયા પ્રતિ કિલો અને કાનપુરમાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર અને બિહારમાં પણ ટામેટાના ભાવ માત્ર રૂ.100ની આસપાસ વેચાઇ રહ્યા છે.
જથ્થાબંધ ભાવ પણ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર
ટામેટાંની સતત વધતી કિંમતોએ સામાન્ય માણસના ઘરનું બજેટ બગાડ્યું છે. કમોસમી વરસાદને કારણે ટામેટાંના ભાવમાં વધારો યથાવત છે. સોલન સબજી મંડીમાં પણ ટામેટાંનો જથ્થાબંધ ભાવ 108 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. સોલનની બાજુમાં આવેલા ગામના ખેડૂત સુરેન્દ્ર કુમારે સોમવારે 25 કિલો ટામેટાંનો એક ક્રેટ 2,700 રૂપિયામાં વેચ્યો હતો. આ પહેલા શનિવારે ટામેટાં 92 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાયા હતા
અત્યાર સુધીમાં ટામેટાંના 30 હજાર ક્રેટ બહારના રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે. શાકમાર્કેટમાં ટામેટાંની આવક વધી રહી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનની ભરપાઈ પણ ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ છૂટક ભાવમાં થયેલા વધારાને કારણે સામાન્ય માણસનું બજેટ સાવ ખોરવાઈ ગયું છે. આગામી બે સપ્તાહમાં ટામેટાની સિઝન પીક પર રહેશે. આ પછી કિંમતમાં કેટલાક અંશે ઘટાડો થવાની આશા છે