SIR Form Help: શું તમારે BLO નો મોબાઈલ નંબર જોઈએ છે? આ સરળ સ્ટેપ્સથી ઘરે બેઠા મેળવો નામ અને નંબર
voter verification online: મતદાર યાદી સુધારણા માટે સંપર્ક જરૂરી: જો BLO તમારા ઘરે ન આવ્યા હોય તો ચૂંટણી પંચની વેબસાઇટ પરથી મિનિટોમાં જાણો તેમની વિગતો.

voter verification online: ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા એટલે કે 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા ચાલી રહી છે. આ કામગીરીમાં બૂથ લેવલ ઓફિસર (BLO) ની ભૂમિકા મહત્વની છે. જો તમને SIR ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી હોય અથવા તમારા BLO એ હજુ સુધી તમારો સંપર્ક ન કર્યો હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારે કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી. તમે તમારા સ્માર્ટફોન દ્વારા ઘરે બેઠા જ માત્ર થોડા સ્ટેપ્સ ફોલો કરીને તમારા વિસ્તારના BLO નું નામ અને મોબાઈલ નંબર મેળવી શકો છો.
SIR પ્રક્રિયા અને BLO નું મહત્વ
ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી SIR ઝુંબેશનો મુખ્ય હેતુ મતદાર યાદીમાંથી અવસાન પામેલા, સ્થળાંતર થયેલા કે ડુપ્લિકેટ મતદારોના નામ દૂર કરીને યાદીને શુદ્ધ કરવાનો છે. સામાન્ય રીતે BLO ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મ (Enumeration Form) ભરાવે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે BLO તમારા ઘરે પહોંચી શકતા નથી અથવા તમને ફોર્મ ભરવામાં કોઈ તકનીકી સમસ્યા આવે છે. આવા સમયે BLO નો સંપર્ક કરવો અનિવાર્ય બની જાય છે. ચૂંટણી પંચ પણ આધાર અને વોટર આઈડી લિંકિંગ જેવી વિસંગતતાઓ ઉકેલવા માટે નાગરિકોને BLO નો સંપર્ક કરવા અનુરોધ કરે છે.
BLO નો નંબર શોધવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
જો તમે તમારા BLO નું નામ અને નંબર જાણવા માંગતા હો, તો તમારી પાસે તમારો EPIC નંબર (મતદાર ઓળખ કાર્ડ નંબર) હોવો જરૂરી છે. નીચે મુજબના સરળ સ્ટેપ્સ અનુસરો:
વેબસાઇટ ઓપન કરો: સૌથી પહેલા તમારા બ્રાઉઝરમાં ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ https://voters.eci.gov.in/ ઓપન કરો.
સેવા પસંદ કરો: હોમપેજ પર 'Services' વિભાગમાં જાઓ અને ત્યાં 'Fill Enumeration Form' વિકલ્પ પર ક્લિક કરો.
રાજ્ય પસંદ કરો: ખુલતા નવા પેજ પર ડ્રોપડાઉન મેનૂમાંથી તમારું State (રાજ્ય) પસંદ કરો. (નોંધ: અહીં માત્ર એ જ રાજ્યો દેખાશે જ્યાં હાલ SIR પ્રક્રિયા ચાલુ છે).
EPIC નંબર નાખો: હવે તમારો 10 આંકડાનો યુનિક EPIC નંબર (વોટર આઈડી નંબર) દાખલ કરો.
પરિણામ: જેવું તમે સર્ચ કરશો, તમારી સ્ક્રીન પર તમારા BLO નું નામ અને તેમનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દેખાશે. તમે આ નંબર પર કોલ કરીને તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.
આ પ્રક્રિયાથી ફોર્મનું સ્ટેટસ પણ જાણી શકાશે
આ પ્રક્રિયા માત્ર નંબર શોધવા માટે જ નહીં, પરંતુ તમારું ફોર્મ ભરાયું છે કે નહીં તે જાણવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અહીં બે શક્યતાઓ છે:
સ્થિતિ 1 (ફોર્મ બાકી છે): જો ઉપરોક્ત પ્રક્રિયા કર્યા પછી તમને સ્ક્રીન પર BLO નું નામ અને નંબર દેખાય, તો તેનો અર્થ એ છે કે તમારું SIR ફોર્મ હજુ સુધી સબમિટ થયું નથી. તમે BLO ને ફોન કરીને પૂછી શકો છો અથવા જાતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.
સ્થિતિ 2 (ફોર્મ ભરાઈ ગયું છે): જો EPIC નંબર નાખ્યા પછી તમને BLO ની વિગતો દેખાવાને બદલે એવો મેસેજ આવે કે "તમારું SIR ફોર્મ સબમિટ થઈ ગયું છે", તો સમજી લેવું કે તમારું કામ પૂર્ણ થઈ ગયું છે. કામ પૂરું થઈ ગયું હોવાથી હવે BLO નો સંપર્ક કરવાની જરૂર નથી, તેથી સિસ્ટમ તેમનો નંબર બતાવશે નહીં.





















