મહેસાણામાં જળબંબાકારની સ્થિતિ, લોકોના ઘરોમાં અને દુકાનોમાં ભરાયા પાણી
હવામાન વિભાગની આગાહી વચ્ચે મહેસાણામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ધોધમાર વરસાદથી મહેસાણના ગોપીનાળાની દીવાલ ધરાશાયી થઈ છે. મહેસાણા શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે. દુકાન અને ઘરોમાં પાણી ભરાયા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે મહેસાણામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ધોધમાર વરસાદથી મહેસાણના ગોપીનાળાની દીવાલ ધરાશાયી થઈ છે. મહેસાણા શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે. દુકાન અને ઘરોમાં પાણી ભરાયા છે. પાણી નિકાલનું આયોજન ન કરાતા લોકો પરેશાન થયા છે.
રાજ્યમાં આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. શહેરમાં માત્ર એક કલાકનાં સમયમાં સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે ગોપીનાળુ અને ભમરિયું નાળુ પાણીમાં ગરકાવ થયું હતું. શહેરમાં ધોધમાર વરસાદના પગલે દર વર્ષની માફક ગોપીનાળામાં પાણી ભરાવા લાગ્યું હતું. ભારે વરસાદના કારણે ગોપી સિનેમા પાસેની દીવાલ એકાએક ધરાશાયી થઇ હતી. નાળામાં પણ પુષ્કળ પાણી ભરાઇ જતા એકબાજુના નાળામાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.
રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આણંદમાં સાડા સાત,ચોર્યાસીમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયા, બરવાળા, મહેસાણામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતા જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાતાવરણમાંથી ગરમી દૂર થઈ છે અને ઠંડક પ્રસરી ગઈ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે.
ભારે પવન સાથે રાજ્યવ્યાપી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા,રાજકોટ, જામનગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 161 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ આણંદ તાલુકમાં 7.3 ઈંચ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના વડાલીમાં 5.78 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં 5.03 ઈંચ વરસાદ નોંધાયો છે.