Mehsana Rain: ધોધમાર વરસાદથી કડીના હાલ બેહાલ, અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી
મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા હતા. કડીમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. બે કલાકમાં વરસેલા અઢી ઈંચથી મહેસાણાનું કડી પાણી પાણી થયું હતું.

મહેસાણા: મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા હતા. કડીમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. બે કલાકમાં વરસેલા અઢી ઈંચથી મહેસાણાનું કડી પાણી પાણી થયું હતું. ધોધમાર વરસાદથી કડીમાં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાય હતી. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે.
કડીમાં ધોધમાર વરસાદને પગેલ અંડરપાસ, કરણનગર રોડ વરસાદી પાણીથી જળમગ્ન થયા છે. વરસાદી પાણીમાંથી પસાર થતી કારના બોનટ સુધી પાણી જોવા મળ્યા હતા. નીચાણવાળા વિસ્તારની દુકાનો, સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળતા ઘર વખરી અને માલસામાનને પણ નુકસાન થયું છે. કડીમાં ભારે વરસાદના કારણે રોડ પર વરસાદી પાણી ભરાતા કેટલાક વાહનો પણ બંધ પડ્યા હતા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી
આજે બપોર બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ધાનેરા, લાખણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. ધાનેરાની મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રોડ-રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધાનેરા શહેરની સાથે બાપલા, વાછોલ, કુંડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં આ વર્ષે ધમાકેદાર ચોમાસાની શરુઆત થઈ છે. આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. વિરમગામમાં સૌથી વધારે 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે વિરમગામ શહેરની શેરીઓમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
ગુજરાતમાં આજે રવિવારે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વિરમગામ તાલુકામાં 3.11 ઈંચ નોંધાયો છે. મહેસાણાના કડીમાં 2.5 ઈંચ, સુરતના ઉમરપાડામાં પણ વધારે વરસાદ વરસ્યો છે.
વિરમગામમાં 3.11 ઇંચ, બાવળામાં 1.22 ઇંચ, દેત્રોજ-રામપુરામાં 0.98 ઇંચ, અમદાવાદ શહેરમાં 0.51 ઇંચ, માંડલમાં 0.35 ઇંચ, ધોળકામાં 0.28 ઇંચ અને સાણંદમાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે જિલ્લાના અનેક ભાગોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહેસાણાના કડીમાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો છે.
ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.





















