Rajkot: ધોરાજીમાં ફરી દીપડાએ દેખા દીધી, પશુપાલકો અને ખેડૂતોમાં ફફડાટ
ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા વાયરલ થયેલ સીસીટીવી ફોટા તપાસી ક્યાં સ્થળના cctv છે તેના આધારે દીપડાનું લોકેશન મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Rajkot News: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી દીપડાએ દેખા દીધી છે. ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલા ભદ્રકાળી માતાજીના મંદિર પાસે ગઈ કાલે મોડી રાત્રે દીપડો દેખાયો હોઈ તેવા cctv ફોટા વાયરલ થયા છે. ફરતે શ્વાન વચ્ચે દીપડો હોઈ તેવા ફોટા વાયરલ થયા છે. ફરી ધોરાજીમાં દીપડાએ દેખા દેતા પશુપાલકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા વાયરલ થયેલ સીસીટીવી ફોટા તપાસી ક્યાં સ્થળના cctv છે તેના આધારે દીપડાનું લોકેશન મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા ધોરાજીમાં ભાદર નદી પર રેલવે ટ્રેક પર 3 દીપડાના ટ્રેનની અડફટે મોત થયા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટ્રેન સાથે ત્રણ દીપડાની ટક્કર થઇ હતી. આ ત્રણેય દીપડા પોરબંદર-ભાવનગર ટ્રેન સાથે ટકરાયા હતા. ટ્રેનની અડફેટે આવતા આ ત્રણેય દીપડાના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા જ ફોરેસ્ટ ઓફિસર સહિત રેલવે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
રાજકોટ વન વિભાગના અધિકારી જણાવ્યું હતું કે, પોરબંદર તરફ જતી ભાવનગર-પોરબંદર લોકલ પેસેન્જર ટ્રેન રાત્રે 8 વાગ્યે ધોરાજી શહેરની બહાર ભાદર નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.
અધિકારીએ જણાવ્યું કે આ એક એક સાંકડો પુલ છે અને પોરબંદર તરફ જતી ટ્રેને સામેથી પુલ પર ચાલતા ત્રણ દીપડાઓને ટક્કર મારી હતી. ત્રણેય દીપડાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અધિકારીએ જણાવ્યું કે માદા દીપડાની ઉંમર લગભગ ત્રણથી પાંચ વર્ષની હતી જ્યારે તેના બચ્ચા આઠથી નવ મહિનાના હતા. એક બચ્ચું નર અને એક માદા હતું. પુલ સાંકડો હોવાથી ટ્રેન પુલના ડેક પર આવી ત્યારે પ્રાણીઓને બચવાનો રસ્તો નહોતો. જ્યારે અમે રાત્રે 8.30 વાગ્યે સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્રણ દીપડા પુલના ડેક પર રેલ્વે ટ્રેકની બાજુમાં મૃત હાલતમાં પડેલા હતા. પેસેન્જર ટ્રેન પોરબંદર તરફ આગળ વધી ગઈ હતી ત્યારે પશ્ચિમ રેલ્વેના ભાવનગર વિભાગના અધિકારીઓએ વન વિભાગને ઘટનાની જાણ કરી હતી.
રાજ્યની 14 યુનિવર્સિટીમાં લાગુ પડશે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ, જાણો શું છે વિશેષતા