રાજકોટમાંથી ઝડપાયું મેઘાલય અને આગ્રા યુનિવર્સિટીની નકલી માર્કશીટ અને ડિગ્રી વેચવાનું કૌભાંડ, જાણો કોણ છે મુખ્ય સૂત્રધાર ?
રાજકોટમાં નકલી માર્કશીટ અને ડિગ્રી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. મેઘાલય અને આગ્રા યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી વેચવાના કૌભાંડમાં ત્રણ લોકો ઝડપાયા છે.
રાજકોટ: રાજકોટમાં નકલી માર્કશીટ અને ડિગ્રી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. મેઘાલય અને આગ્રા યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી વેચવાના કૌભાંડમાં ત્રણ લોકો ઝડપાયા છે. સાધુ વાસવાણી રોડ પરથી મહિલા અને એસ્ટ્રોન નજીકથી બે શખ્સ ઝડપાયા હતા. ડિગ્રી વેચનાર અને ખરીદનાર બંને સંકજામાં આવ્યા હતા. રૂપિયા 70 હજારથી એક લાખમાં ડિગ્રી વેચાતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
નકલી નોટો જ નહીં પણ ઠગબાજો માગો એ યુનિવર્સિટીઓની નકલી ડિગ્રીઓ પણ બનાવીને વેચીને તગડા રૂપિયા કમાતા હોય છે. રાજકોટ પોલીસે નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ વેચવાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, પોલીસે સાધુવાસવાણી રોડ પરથી એક મહિલાને અલગ અલગ બે વ્યક્તિની માર્કશીટ અને ડિગ્રી સાથે ઝડપી લીધા હતા. મહિલાને દિલ્હીનો શખ્સ નકલી ડિગ્રી પહોંચાડતો હતો. એસ્ટ્રોન વિસ્તારમાંથી ડિગ્રી વેચનારા અને ખરીદનારા ઝડપાયા હતા. મેઘાલય અને આગ્રાની યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ 70 હજારથી માંડી 1.25 લાખમાં વેચાતી હોવાનો ખુલાસો થયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સાધુ વાસવાણી રોડ પર રાજપેલેસ ચોક પાસેના રત્નમ બિલ્ડિંગમાં રહેતી ધર્મિષ્ઠા માકડિયા નકલી માર્કશીટ અને ડિગ્રી વેચતી હોવાની અને તે મહિલા માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ સાથે સાધુ વાસવાણી રોડ પર શાકભાજી માર્કેટ પાસે સ્કૂટર લઇને ઊભી હોવાની માહિતી મળતાં પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ અંસારી અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા તથા કોન્સ્ટેબલ શાંતુબેન મુળિયા સહિતની ટીમ દોડી ગઇ હતી.
પોલીસે ધર્મિષ્ઠાને રાઉન્ડ અપ કરી તેની પાસે રહેલા એક્ટિવાની તલાશી લેતા તેમાંથી મેઘાલય રાજ્ય વિલિયમ કેરી યુનિવર્સિટી શિલોંગના સહી સિક્કા વાળી ડુપ્લિકેટ સાત માર્કશીટ અને બે ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા હતા. પોલીસે કબજે થયેલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ અંગે મેઘાલયમાં તપાસ કરાવતા આવા કોઇ વિદ્યાર્થીએ તેમની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા અંગેનો ઇનકાર કરતા માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ ડુપ્લિકેટ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ધર્મિષ્ઠા માકડિયા, તેને માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ પહોંચાડનાર દિલ્હીના પ્રદીપ યાદવ, નકલી માર્કશીટ અને ડિગ્રી ખરીદનાર માલતી હસમુખ ત્રિવેદી તથા મૌલિક ધનેશ જસાણી સામે ગુનો નોંધી સૂત્રધાર ધર્મિષ્ઠાને સકંજામાં લીધી હતી. માર્કશીટ અને ડિગ્રીવાંછુકો પાસેથી રૂ.70-70 હજાર પડાવ્યાનો તપાસમાં ધડાકો થયો હતો.