(Source: Poll of Polls)
Rajkot: ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા! 90 ટકા ડુંગળીનું વેચાણ કરી દીધા બાદ હવે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને છૂટ આપતા ખેડૂતોમાં રોષ
રાજકોટ: ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ કેન્દ્ર સરકારે કર્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ 90 ટકા ડુંગળીનું વેચાણ કરી દીધા બાદ હવે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને છૂટ આપી છે.
રાજકોટ: ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ કેન્દ્ર સરકારે કર્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ 90 ટકા ડુંગળીનું વેચાણ કરી દીધા બાદ હવે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને છૂટ આપી છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ આક્રોશ સાથે કહ્યું કે, ત્રણ મહિના વહેલી નિકાસને છૂટ આપવાની જરૂર હતી. ખેડૂતોએ પાણીના ભાવે ડુંગળી વેચી દીધા બાદ હવે સરકારે નિકાસને છૂટ આપી.
સૌરાષ્ટ્ર કે જયાં મોટાભાગનો વર્ગ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલો છે, પાંચ વર્ષથી સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળીના વાવેતર તરફ વળ્યા છે. સૌથી વધુ ડુંગળી ભાવનગર જીલ્લો અને ત્યારબાદ રાજકોટ જિલ્લામાં વાવેતર થાય છે.જો કે સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષથી ડુંગળીનું વાવેતરની સાથે ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. સવાલ એ થાય કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળીનું વેચાણ કરી દીધા બાદ સરકારએ નિકાસની છૂટ આપી છે. છેલ્લા ત્રણ મહિનાથી મહુવા,ભાવનગર,રાજકોટ અને ગોંડલ જેવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ની કેટલી આવક થતી હતી કે ડુંગળી રાખવાની જગ્યા પણ ન હતી.સરકાર દ્વારા નીકાસની છૂટ આપવામાં આવી છે ત્યારે ખેડૂતો પાસેથી જ ચોકાવનારી હકીકત સામે આવી છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ અત્યાર સુધીમાં 80 થી 90 ટકા ડુંગળી હરરાજીમાં સસ્તા ભાવે વેચી નાખી છે.
સૌરાષ્ટ્રમાં ખરીફ ડુંગળીનું આ વર્ષે બમ્પર ઉત્પાદન થયું હતું. સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ ગગળી ગયા હતા. ડુંગળીની કેન્દ્ર સરકાર છૂટ આપે તે માટે સૌરાષ્ટ્રના સાંસદોએ કેન્દ્ર સરકાર અને કેન્દ્રના કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી કે નિકાસની છૂટ આપવામાં આવે. દોઢ મહિના પહેલા સૌરાષ્ટ્રના સાંસદોએ ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારને પત્રો લખ્યા હતા. રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, રમેશભાઈ ધડુક સહિતના સાંસદોએ કેન્દ્ર સરકારને રજૂઆતો પણ કરી હતી.
સૌરાષ્ટ્રના ખેડૂતોએ ખરીફ લાલપતી ડુંગરી સસ્તા ભાવે વેચી નાખ્યા બાદ સરકારે હવેની નિકાસ છૂટ આપતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને અત્યાર સુધી સરેરાશ એક મણ ડુંગળીના 100 રૂપિયાથી લઈ અને 250 રૂપિયા મળ્યા છે. ખેડુતોનું કહેવું છે કે બિયારણ,રાસાયણિક જંતુનાશક દવા,મજૂરી,ડીઝલ સહિત તમામ વસ્તુના ભાવ દર વર્ષે વધે છે. ખેડૂતોને એક મણ ડુંગળીના સરેરાશ 600 થી 700 રૂપિયા મળે તો ખેડૂતોની પાછળ કંઈક વધે.
એક વિઘે ડુંગળીનો ખર્ચ અને ઉત્પાદન
- બિયારણ -2000
- વાવેતર ખર્ચ -500
- રાસાયણિક ખાતર- 1500 રૂપિયા
- રાસાયણિક દવાનો ખર્ચ 3000
- નિંદામણ મજૂરી -1000
- ડીટામણ ખર્ચ - 5000
- પીછીનો ખર્ચ- 1300
- માર્કેટિંગ યાર્ડ સુધી લઈ લાવવાનું ભાડું 4000
- ડુંગળી યાર્ડમાં ઉતારવાનું ભાડું -400
કુલ ખર્ચ -18700
- ખેડૂતોને જો સરેરાશ 200 મણનું ઉત્પાદન થાય અને એક મણના 150 રૂપિયા ભાવ આવે તો 30 હજાર રૂપિયાની ડુંગળીનું ઉત્પાદન આવે. ગણતરી મુજબ ખેડૂતને 11000 રૂપિયાની આવક થાય.
- જો ખેડૂતને સો રૂપિયા કે તેનાથી નીચા ભાવ મળે તો ખેડૂતોને ખોટ સહન કરવી પડે. કેમકે એક વીઘે 18000 થી 20,000 જેટલો સરેરાશ ખર્ચ થાય.
- મોંઘવારીને કાબુ કરવા માટે કેન્દ્ર સરકાર વારંવાર ખેડૂતોને નિકાસ પર પ્રતિબંધ મૂકી દે છે,જેના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. સરકારે વારંવાર નિકાસ પર પ્રતિબંધ મૂકવાના બદલે વચેટીયા વેપારી અને સંગ્રહખોરો પર પણ બાજ નજર રાખવાની જરૂરિયાત છે અને તેમને પણ કંટ્રોલ કરવાની જરૂરિયાત છે, જેથી સરકારને ડુંગળી જેવી જણસ પર વારંવાર નિકાસ પર પ્રતિબંધ મૂકવો ન પડે.