Gandhinagar: શિક્ષીકા દ્વારા વિદ્યાર્થિનીને માર મારવાની ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા,જો હવે માર માર્યો તો શાળાની માન્યતા થઈ શકે છે રદ
ગાંધીનગર: સુરતમાં જુનિયર કેજીની વિદ્યાર્થિનીને શિક્ષીકા દ્વારા ખરાબ રીતે મારમારવાની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. હાલમાં સમગ્ર રાજ્યમાં આરોપી શિક્ષીકા સામે રોષ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર: સુરતમાં જુનિયર કેજીની વિદ્યાર્થિનીને શિક્ષીકા દ્વારા ખરાબ રીતે મારમારવાની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. હાલમાં સમગ્ર રાજ્યમાં આરોપી શિક્ષીકા સામે રોષ જોવા મળી રહ્યો છે. મામલો ઉગ્ર બનતા શાળાના વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષાના વધતા જતા બનાવોને પગલે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરવી પડી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આ મામલે પત્ર લખ્યો છે.
સંસ્થાની માન્યતા રદ થઇ શકે છે
જેમાં કહેવામાં આવ્યું છે કે, રાઇટ ટુ એજ્યુકેશનના નિયમો મુજબ કામ કરવા સુચના આપવામાં આવી છે. RTEની જોગવાઇ મુજબ શાળામાં બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જે કોઇ તેનું ઉલ્લંઘન કરે તેની સામે શિસ્ત ભંગના પગલા લેવાશે. એટલું જ નહિ શૈક્ષણિક સંસ્થાઓ સામે પણ કડક કાર્યવાહી કરાશે. અધિનિયમની જોગવાઇ મુજબ આવા પ્રથમ કિસ્સામાં 10 હજાર અને ત્યાર પછીના દરેક કિસ્સા દિઠ 25 હજારનો દંડ ફટકારવામાં આવશે. દંડ નહિ ભરનાર અને વારંવાર આ નિયમનો ઉલ્લંઘન કરના સંસ્થાની માન્યતા રદ થઇ શકે છે.
શું હતો મામલો?
સુરતની સાધના નિકેતન શાળાની શિક્ષિકાએ ક્રૂરતાની હદ વટાવી દેતા જુનિયર કેજીની માસૂમને એક નહિ બે નહિ 35 થપ્પડ મારીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે માતાએ બાળકીનો યુનિફોર્મ ચેન્જ કરતા તેમની પીઠ પર ઇજાના નિશાન જોયા. ઘટના બાદ પોલીસ ફરિયાદ થતાં આખરે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
શિક્ષિકાની ક્રુરતાને પગલે પીડિત વાલી સહિતના અન્ય વાલીઓએ પણ અવાજ ઉઠાવ્યો હતો અને સમગ્ર ઘટના અંગે પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. જે બાદ ક્લાસરૂમના સીસીટીવી ચેક કરાતા શિક્ષિકાની ક્રૂરતા છતી થઇ હતી. આ મામલે વાલીએ કાપોદ્રા પોલીસમાં શિક્ષિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધવાં આવી હતી તેમજ તેમનું રાજીનામું પણ માંગી લેવામાં આવ્યું હતું. ઘટનાને લઇને હોબાળો થતા શિક્ષિકા તેમના સબંધીના ઘરે જતી રહી હતી. જો કે ગણતરીના કલાકમાં જ કાપોદ્રા પોલીસે શિક્ષિકાનો શોધી લઇને તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હોય. આ પહેલા પણ રાજ્યમાં આવી ઘટના સામે આવી ચૂકી છે.