Vadodara: વડોદરામાં PCR વાનમાં દારૂની મહેફિલ માણતો કોન્સ્ટેબલ ઝડપાયો, પોલીસે ગુનો નોંધી કરી ધરપકડ
વડોદરામાં પીસીઆર વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા હતા
વડોદરામાં પીસીઆર વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા હતા. મળતી જાણકારી અનુસાર શહેરના મુજ મહુડા વિસ્તારમાં સી ટીમની પીસીઆર વાનમાં હેડ કોન્સ્ટેબલ અને બે સાથી દારૂ પી રહ્યા હતા ત્યારે કોઇ વ્યક્તિએ પોલીસ કન્ટ્રોલમાં આ અંગેની જાણકારી આપી હતી. બાદમાં જેપી રોડ પોલીસે વાનના ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેના સાગરીત માલવ કહાર અને સાકીર મણિયારને ઝડપ્યા હતા. ત્રણેય શખ્સોએ દારૂનો નશો કર્યો હોવાનું જણાવતા જે.પી રોડ પોલીસમાં ગુનો નોધીને ધરપકડ કરી હતી.
પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મહેશ રાઠોડ નામના પોલીસ કર્મચારી વિરુદ્ધ 376 મુજબ ગુન્હો નોંધાયો છે. લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.
ભોગબનાર મહિલા સાથે પોલીસ કર્મચારીએ અવાર-નવાર શારીરિક સબંધો બાંધ્યા હતા. મહિલા સાથે શારીરિક સબંધો બાંધી લગ્નની લાલચ આપતો હતો. મહેશ રાઠોડ હાલ ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે. ગુન્હો નોંધાતા મહેશ રાઠોડ હાલ તો ફરાર થઈ ગયો છે.
સમગ્ર અહેવાલ અનુસાર, મહિલાને પતિ સાથે મનદુખ થતા અંદાજે ચાર વર્ષ પહેલા વિસાવદર કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો હતો.ન્યાય માટે અવાર નવાર ધારી પોલીસ મથકે જતી ત્યારે ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી મહેશ રાઠોડના સંપર્કમાં આવી હતી. પોતે પણ પોતાની પત્નીથી દુ:ખી હોવાનું જણાવી પોતે પોલીસમાં છે અને મદદ કરશે તેમ કહી મહિલાને પ્રેમ ઝાળમાં ફસાવી હતી.
અમરેલી કૂવામાંથી મળેલ મૃતદેહ મુદ્દે મોટો ખુલાસો
અમરેલીના લાલાવદરની સીમામાં આવેલા ખેતરના કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે મોટો ખુલાસો થયો છે. અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયની હત્યા કરી ને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આજે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.
ગત તારીખ 12 જાન્યુઆરીની સવારે અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમા એક દંપતિ અને એક આઠ વર્ષની કિશોરી ના મૃતદેહો હતા. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ શંકાસ્પદ હોવાના આધારે ત્રણેય મૃતદેહ ને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર મોકલાયા હતા. જેમા ત્રણેયની હત્યા થઈ હોવાનું બહાર આવતા જીલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આજે (15 જાન્યુઆરી)ના રોજ હત્યાના ચાર આરોપીઓ પૈકી ત્રણ હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે.