Israel Hamas War : ગાજામાં એક શરણાર્થી શિબિર પર ઈઝરાયલી સેનાનો હુમલો, 50થી વધુ લોકોના મોત
શનિવારે (4 નવેમ્બર) મોડી રાત્રે ગાઝા પટ્ટીમાં અલ-મગાઝી શરણાર્થી શિબિરમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો.
Attack On Al-Maghazi Camp: ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી ચાલુ છે અને ઈઝરાયેલની સેના હમાસના આતંકવાદીઓ પર સતત બોમ્બમારો કરી રહી છે. આ દરમિયાન, શનિવારે (4 નવેમ્બર) મોડી રાત્રે ગાઝા પટ્ટીમાં અલ-મગાઝી શરણાર્થી શિબિરમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. સીએનએનએ હોસ્પિટલના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
શિબિર કેમ્પના રહેવાસીએ જણાવ્યું કે હુમલો તે સમયે થયો જ્યારે તે પોતાના ઘરમાં બેઠા હતા. ત્યારે અચાનક તેઓએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. ઈઝરાયેલી સેનાએ આ હુમલા અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ કહ્યું કે તેઓ વિસ્ફોટની આસપાસના સંજોગોની તપાસ કરી રહ્યા છે.
'લોકોને સારવારની જરૂર છે'
અલ-અક્સા શહીદ હોસ્પિટલના નર્સિંગના વડા ડૉ. ખલીલ અલ-દકરાને દાવો કર્યો હતો કે તેમણે ઓછામાં ઓછા 33 મૃતદેહો જોયા છે. તેમણે કહ્યું કે કેમ્પના એક ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘર લોકોથી ભરેલું હતું. ઘરમાં રહેતા લોકો પર બોમ્બ ધડાકા થયા હતા. તેમણે કહ્યું કે પીડિતોમાં ઘણી મહિલાઓ અને બાળકો છે.
ડૉક્ટર અલ-દકરાને કહ્યું કે હોસ્પિટલમાં ઈંધણની અછતને કારણે લોકોની સારવાર કરવી મુશ્કેલ બની ગઈ છે. હોસ્પિટલની અંદર મોટી સંખ્યામાં લોકો છે જેમને સારવારની જરૂર છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા બેડની સંખ્યા કરતા બમણી છે.
આ વિસ્ફોટ માટે ઈઝરાયેલે જવાબદાર ગણાવ્યું હતું
દેર અલ-બાલાહમાં અલ-અક્સા શહીદ હોસ્પિટલના કોમ્યુનિકેશન ડિરેક્ટર મોહમ્મદ અલ-હજે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં 52 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેણે વિસ્ફોટ માટે ઈઝરાયેલના હવાઈ હુમલાઓને જવાબદાર ઠેરવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગાઝાના દક્ષિણ ભાગમાં સ્થિત અલ-મગાઝી શરણાર્થી શિબિરની આસપાસ સાંકડી શેરીઓ છે અને અહીં લોકોની વસ્તી પણ ઘણી વધારે છે. 0.6 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ કેમ્પમાં 33,000થી વધુ લોકો રહે છે.
છેલ્લા એક મહિનાથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે, અને હવે આ યુદ્ધ દિવસેને દિવસે નવા નવા વળાંક લઇ રહ્યું છે. આ યુદ્ધમાં ઇઝરાયેલ પર હુમલો કરવા માટે વ્યૂહાત્મક નીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ઈરાનમાં એક જૂથે ઈઝરાયેલ પર હુમલો કરવા માટે આત્મઘાતી બૉમ્બર બનવા માટે નોકરીની જાહેરાત પૉસ્ટ કરી છે. આ અજીબોગરીબ ભરતીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આત્મઘાતી બૉમ્બર બનવા માટે નોકરીની જાહેરાત કરનાર જૂથનું નામ હિઝબુલ્લાહ છે. જોકે, તે લેબનોનમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહથી અલગ છે. આ ભરતીની જાહેરાત એવા સમયે મુકવામાં આવી છે જ્યારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ભીષણ થઇ રહ્યું છે.