શેન વોર્નના નિધન બાદ કુંબલેએ જણાવ્યું, વોર્ન પોતાના મિત્રોનું કઈ રીતે ધ્યાન રાખતો, વાંચો મજેદાર કિસ્સો
અનિલ કુંબલેએ પણ શેન વોર્નના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કુંબલેએ શેન વોર્ન સાથે ક્રિકેટના મેદાનમાં વિતાવેલી ક્ષણો પણ યાદ કરી હતી.
ગઈકાલે ઓસ્ટ્રેલિયાના લિજેન્ડ ક્રિકેટર અને સ્પિન બોલીંગના કિંગ ગણાતા શેન વોર્નનું થાઈલેન્ડના વિલામાં નિધન થયું. અચાનક આવેલા હાર્ટએટકથી 52 વર્ષના શેન વોર્નનું નિધન થયું હતું. વિલામાં હાજર શેન વોર્નના મિત્ર અને મેડિકલ સ્ટાફે વોર્નને CPR આપીને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ વોર્નને બચાવી ના શક્યા.
અનિલ કુંબલેની શેન વોર્ન સાથેની યાદોઃ
શેન વોર્નના નિધનથી સમગ્ર દુનિયાના ક્રિકેટપ્રેમીઓ અને વોર્નના મિત્રો સ્તબ્ધ છે અને શોકમગ્ન છે. ભારતના પૂર્વ સ્પિન બોલર અનિલ કુંબલેએ પણ શેન વોર્નના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કુંબલેએ શેન વોર્ન સાથે ક્રિકેટના મેદાનમાં વિતાવેલી ક્ષણો પણ યાદ કરી હતી. સ્ટાર સ્પોર્ટ્સ સાથે કરેલી વાતચીતમાં અનિલ કુંબલેએ જણાવ્યું કે, વોર્નની મહાનતા એટલા માટે વધી જાય છે કારણ કે, તે ભારત સામે સારું રમ્યો હતો. તે ભારત સામે ખરેખર સારુ રમવા માંગતો હતો કેમ કે, અમે સારા ખેલાડીઓ હતા.
ઓસ્ટ્રેલિયન ટીમનું રહસ્યઃ
કુંબલેએ આગળ જણાવ્યું કે, 1998માં એક શ્રેણી મેચ હતી જ્યારે બધા સચિન vs વોર્ન વિશે વાત કરતા હતા. એ મેચમાં વોર્નને પ્રથમ ઈનિંગમાં સારી સફળતા મળી હતી. અને પછી સચિને બીજી ઈનિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું. "એ સમયે ઓસ્ટ્રેલિયન ટીમમાં એક રહસ્ય હતું જે કોઈને ખબર નહોતી. એ રહસ્ય એવું હતું કે, જો તમે શેન વોર્નના મિત્ર છો, તો જ્યારે તમે બેટિંગ કરવા મેદાન પર ઉતરો ત્યારે કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડી તમારી મશ્કરી-મજાક ના કરે. તેથી જ્યારે હું મેદાન પર ઉતરતો ત્યારે કોઈ મારી મજાક ના કરતું કારણ કે, હું શેન વોર્નનો મિત્ર હતો." "આવો હતો વોર્ની, આવી રીતે તે પોતાના મિત્રોનું ધ્યાન રાખતો હતો."
આ પણ વાંચોઃ