IND vs SA Final: આજે ટૉસ બનશે બૉસ ? અત્યાર સુધીની ફાઇનલમાં હાર-જીતમાં ટૉસનું શું રહ્યું છે મહત્વ
IND vs SA Final 2024: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના મેદાનમાં રમાશે. આ મેચમાં ટૉસની ભૂમિકા મહત્વની હોઈ શકે છે
IND vs SA Final 2024: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના મેદાનમાં રમાશે. આ મેચમાં ટૉસની ભૂમિકા મહત્વની હોઈ શકે છે. આ ટી20 વર્લ્ડકપની નવમી એડિશન છે અને છેલ્લી આઠ એડિશનમાં ટૉસને લઈને કેટલાક પરિણામો આવ્યા છે જે તમને આશ્ચર્યચકિત કરશે. તમને જાણીને નવાઈ લાગશે કે ટૉસ જીતનારી ટીમોએ 87.5 ટકા વખત ચેમ્પિયનશિપ જીતી છે. વળી, ટૉસ હારીને માત્ર એક ટીમ ચેમ્પિયન બની છે.
એટલું જ નહીં, ફાઇનલમાં પીછો કરતી ટીમો સૌથી વધુ વખત ચેમ્પિયન બની છે. ભારત તેનું બીજું ટી20 ખિતાબ જીતવા જઈ રહ્યું છે. તેણે 2007માં પ્રથમ એડિશનમાં ટ્રોફી જીતી હતી. વળી, દક્ષિણ આફ્રિકાની ટીમ તેના પ્રથમ વર્લ્ડકપની શોધમાં છે. ચાલો એક નજર કરીએ બાર્બાડોસમાં ટૉસનો રેકોર્ડ શું રહ્યો છે અને ટી20 વર્લ્ડકપની છેલ્લી આઠ એડિશનમાં ટૉસે શું ભૂમિકા ભજવી છે...
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર ચાલી રહેલા ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં આઠ મેચ રમાઇ છે, જેમાંથી છમાં પરિણામ આવ્યું છે. પ્રથમ અને બીજી બેટિંગ કરનારી ટીમોએ ત્રણ-ત્રણ મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ છે. કેન્સિંગ્ટન ઓવલ ટૂર્નામેન્ટમાં ત્રીજું સૌથી વધુ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે, જેમાં પ્રતિ ઓવર 7.78ના દરે રન આવે છે. સેન્ટ લૂસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં જ બેટ્સમેનોએ આ ટી20 વર્લ્ડકપ એડિશનમાં બાર્બાડોસ કરતા ઝડપી દરે રન બનાવ્યા છે. આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 29 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. તેમાંથી 19માં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. જોકે, અહીં રમાયેલી છેલ્લી બે મેચ પીછો કરતી ટીમે જીતી છે.
કેન્સિંગ્ટન ઓવલ ખાતે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોના આંકડા -
કુલ મેચ: 32
પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 19
પીછો કરતી ટીમ જીતી: 10
ટાઇ: 1
કોઈ પરિણામ નથી: 2
પ્રથમ દાવનો સરેરાશ સ્કૉર: 159
સર્વોચ્ચ સ્કૉર: વેસ્ટ ઈન્ડિઝ 224/5 (20) વિરુદ્ધ ઈંગ્લેન્ડ (2022)
સૌથી ઓછો સ્કૉર: અફઘાનિસ્તાન 80 (16) વિ દક્ષિણ આફ્રિકા (2010)
ટૉસ ફેક્ટર
ટૉસ જીતનારી ટીમે આ મેદાન પર રમાયેલી 29 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી 18 જીતી છે. ટીમોએ અહીં 13 વખત પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે અને તેમાંથી 10 મેચ જીતી છે. બીજીતરફ, ટીમોએ 19 વખત કેન્સિંગ્ટન ઓવલ ખાતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે અને તેમાંથી માત્ર આઠ જ મેચ જીતવામાં સફળ રહી છે, જ્યારે નવ વખત હારનો સામનો કરવો પડ્યો છે.
વર્તમાન ટૂર્નામેન્ટમાં કેન્સિંગ્ટન ઓવલ ખાતે કુલ આઠ મેચો રમાઈ હતી અને છ પરિણામો આવ્યા હતા. ટોસ જીતનાર ટીમે છમાંથી ત્રણ મેચ જીતી હતી. આઠ મેચમાંથી ત્રણ વાર કેપ્ટનોએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે પાંચ વાર પીછો કરવાનું પસંદ કર્યું છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે ત્રણમાંથી એક મેચ જીતી છે, જ્યારે પીછો કરતી ટીમે પાંચમાંથી ત્રણ મેચ જીતી છે.
ટી20 વર્લ્ડકપમાં છેલ્લી આઠ આવૃત્તિઓમાંથી આવું ત્રણ વખત બન્યું છે જ્યારે કેપ્ટનોએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હોય. જેમાં 2007માં ભારત, 2009માં શ્રીલંકા અને 2012માં વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે. વળી, પાંચ વાર કેપ્ટનોએ ટૉસ જીતીને પીછો કરવાનો નિર્ણય કર્યો. જોકે, માત્ર ભારત (2007) અને વેસ્ટ ઈન્ડિઝ (2012) જ પ્રથમ બેટિંગ કરીને ફાઈનલ જીતી શક્યું છે. છ વખત પીછો કરનારી ટીમોએ ટાઇટલ મેચ જીતી હતી. જેમાં પાકિસ્તાન (2009), ઈંગ્લેન્ડ (2010), શ્રીલંકા (2014), વેસ્ટ ઈન્ડિઝ (2016), ઓસ્ટ્રેલિયા (2021) અને ઈંગ્લેન્ડ (2022)નો સમાવેશ થાય છે.
જો કે, જો આપણે ટૉસ જીતીને વર્લ્ડકપ જીતનાર ટીમો વિશે વાત કરીએ તો, આઠ એડિશનમાં સાત વખત એવું બન્યું છે કે જ્યારે ટૉસ જીતનારી ટીમે ટાઈટલ જીત્યું હોય. 2009માં માત્ર એક વખત પાકિસ્તાનની ટીમ ટૉસ હારીને પણ ચેમ્પિયન બની હતી. ટોસ જીતીને જે ટીમો ચેમ્પિયન બની તેમાં ભારત (2007), ઈંગ્લેન્ડ (2010), વેસ્ટ ઈન્ડિઝ (2012), શ્રીલંકા (2014), વેસ્ટ ઈન્ડિઝ (2016), ઓસ્ટ્રેલિયા (2021) અને ઈંગ્લેન્ડ (2022)નો સમાવેશ થાય છે. 2007 ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતે ટૉસ જીત્યો હતો અને ત્યાર બાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ તે મેચ પાંચ રનથી જીતી હતી.
ટી20 વર્લ્ડકપ 2024માં ટૉસમાં રોહિત-માર્કરમનો રેકેરોડ
ટી20 વર્લ્ડકપ 2024માં ભારતે અત્યાર સુધીમાં સાત મેચ જીતી છે, જ્યારે એક મેચ ટૉસ વિના રદ્દ કરવામાં આવી હતી. આ એડિશનમાં ટૉસનું પરિણામ ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે મિશ્ર રહ્યું છે. આ ટી20 વર્લ્ડકપમાં હિટમેને સાત મેચમાં ત્રણ વખત ટૉસ જીત્યો છે. બે વખત રોહિતે પહેલા બોલિંગ કરવાનો અને એક વખત પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતે સાત મેચમાં પ્રથમ પાંચ વખત બેટિંગ કરી છે, જ્યારે બે વખત લક્ષ્યનો પીછો કર્યો છે. જો દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો તેના કેપ્ટન એડન માર્કરામે આઠ મેચમાં ત્રણ વખત ટૉસ જીત્યો છે. માર્કરમે પ્રથમ બે વખત બોલિંગ કરવાનો અને એક વખત પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આ ટી20 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાએ ચાર વખત પ્રથમ બેટિંગ કરી છે, જ્યારે આ ટીમે ચાર વખત લક્ષ્યનો પીછો કર્યો છે.