સુરતઃ આવકવેરા વિભાગે ગત તારીખ સાત, આઠ અને નવમીના રોજનો હિસાબ જાણવા માટે સુરત શહેરના 100થી વધુ જ્વેલર્સને કલમ 133(6) હેઠળ નોટિસ પાઠવતા ફફડાટ મચી ગયો છે. આઇટી દ્વારા જ્વેલર્સોને ત્રણ દિવસમાં નોટિસનો જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે. સાથોસાથ આઇટીના અધિકારીએ ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે કે જો વિગતો નહીં આવે તો સરવે કરવામાં આવશે અને છૂપાવેલી માહિતી બહાર લવાશે. મહત્વની વાત એ છે કે ગત 8 નવેમ્બરે રાત્રે નોટબંધીની જાહેરાત બાદ જ્વેલર્સ દ્વારા બેક ડેટમાં સ્ટોક ખાલી થઈ જાય હદે જૂની નોટ સ્વીકારી વેપાર કર્યો હતો.
2/4
આવકવેરા વિભાગને શંકા છે કે નવમી નવેમ્બરના રોજ પણ અનેક જવેલર્સે સોનું વેચ્યું હતું અને જુન સુધીનું બુકિંગ લઈ લીધું હતું. કેટલાંક સોના-ચાંદીના દાગીનાના વેપારીઓએ તો આઠમી પહેલાંના બિલ ગ્રાહકોને આપ્યા હતા. જેથી રદ થયેલી કરન્સીમાં સોદા કરવાનો ગુનો બને. જોકે રૂપિયા બે લાખની સોનાની ખરીદી પર પાનકાર્ડ આપવું પડે છે. આથી અનેક ગ્રાહકો પણ આઇટીની ઝપટે ચઢશે એવી સંભાવના છે.
3/4
મોદી સરકારે નોટબંધી જાહેર કરતાં આઠમી નવેમ્બરની સમગ્ર રાત્રિ જ્વેલર્સોએ દુકાનમાં વિતાવી હતી. લોકો પણ સમગ્ર રાત્રિ સોનાની ખરીદીમાં પડ્યા હતા. દરેકને પોતાને ત્યાંની જૂની નોટ કાઢવી હતી. તકનો લાભ લઇને જ્વેલર્સ દ્વારા સોનાનો ભાવ તોલાના 30 હજારથી વધારી 50થી 60 હજાર સુધી કરી દીધાં હતા. તેમ છતાં લોકોએ સોનાની ધૂમ ખરીદી કરી હતી.
4/4
આઇટીએ ઘોડદોડ રોડ, અઠવાલાઇન્સ, રાજમાર્ગ, વરાછા, કતારગામ અને અડાજણ સહિતના શહેરમાં જુદા જુદા સ્થળે શો-રૂમ ધરવતા 100 જેટલાં જ્વેલર્સને નોટિસ પાઠવી છે. તમામ પાસે ટ્રાયલ બેલેન્સ માગવામાં આવ્યુ છે. જેમાં સ્ટોક, આવક-જાવકની એન્ટ્રી અને જરૂરી અન્ય વિગતો હોય છે. ત્રણ દિવસમાં વિગતો આપવાની છે. પછી અધિકારીઓ તમામ વિગતોનું વેરિફિકેશન કરશે. જે જ્વેલર્સ નોટિસનો જવાબ નહીં આપે તેને ત્યાં સર્વે કરવામાં આવશે.