(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય વિભાગનું ઑપરેશન જરૂરી
સુરતમાં સરકારી તબીબનો 14 મહિનાથી કોઈ અતોપતો નથી. ઓલપાડ તાલુકાના સાયણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મહિલા ડેન્ટિસ્ટ મિત્તલ વઘાસીયા 14 મહિનાથી ફરજ પર નથી આવતા. વધુ અભ્યાસ માટે તેમણે વિદેશ જવા પગાર વગરની રજા માગી હતી. પરંતુ રજા મંજૂર ન કરાઈ હોવા છતાં તેઓ આજ દિવસ સુધી ફરજ પર નથી આવતા. હાલ તેમની જગ્યાએ માંડવીના પરેશ વાઘાણી નામના તબીબને મુકવામાં આવ્યા છે. જેઓ સપ્તાહમાં ત્રણ દિવસ સાયણ આવે છે. ડૉક્ટર પરેશ વાઘાણીનું કહેવું છે કે, આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓના ઘસારાને જોતા અહીં એક નહીં પણ બે તબીબની જરૂર છે. ગ્રામજનોની માગ છે કે, મહિલા તબીબનું રાજીનામું લઈ, તેમની જગ્યાએ કાયમી તબીબની નિમણૂક કરવી જોઈએ.
સરકારના મંત્રી મુકેશ પટેલે બે દિવસ પહેલા ઓલપાડમાં આરોગ્ય કેન્દ્રમાં ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ફરજ પર જ હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. ચાલુ ફરજ દરમિયાન પણ કેટલાક કર્મચારીઓ ગેરહાજર હતા. જેના કારણે મંત્રીએ ફોન પર અધિકારીનો ઉધડો લીધો. આરોગ્ય કેન્દ્રમાં 2018માં ફાળવાયેલુ સોનોગ્રાફી મશીન હજુ સુધી વણવપરાયેલુ જોવા મળ્યું. મુકેશભાઈ પટેલે દર્દીઓની પણ મુલાકાત લીધી. મંત્રી અચાનક મુલાકાતે આવી જતા કર્મચારીઓ અને ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો. મુકેશ પટેલે કહ્યું ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓ આરોગ્યની સુવિધાથી વંચિત રહે તે બિલકુલ નહીં ચાલે. આરોગ્ય કેન્દ્રમાં આપેલા સાધનોનો ઉપયોગ થાય તે પણ જરૂરી છે.