રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ગાંધીનગર મહાનગર પાલિકાને રૂ. ૧૨.૮૪ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૬૦.૭૨ કરોડ તથા સુરત મહાનગરપાલિકાને રૂ. ૧૮૧.૫૦ કરોડ ફાળવ્યા.
- રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. ૨૫૫ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ગાંધીનગર મહાનગર પાલિકાને રૂ. ૧૨.૮૪ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૬૦.૭૨ કરોડ તથા સુરત મહાનગરપાલિકાને રૂ. ૧૮૧.૫૦ કરોડ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ ૨૫૫.૦૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
Gujarat Municipal Corporations Funding: તદઅનુસાર સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, ફુટપાટ નિર્માણ અને સી.સી. રોડ તથા રોડ કારપેટ તેમજ રિ કારપેટના વિવિધ ૫૭૯ કામો માટે રૂ. ૧૮૧.૫૦ કરોડ ફાળવવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજ્યના મહાનગરોમાં આ યોજના હેઠળ નવા રોડ બનાવવા અને હયાત માર્ગોની મરામત સહિતના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી સહાય આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ત્રણ મહાનગરપાલિકાઓની રજૂ કરવામાં આવેલી દરખાસ્તને તેમણે અનુમોદન આપ્યું છે.
મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાને શહેરી સડકના જુદા જુદા ૧૨ કામો માટે ૬૦.૭૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડના નવિનીકરણ કામો માટે ૧૨.૮૪ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટકમાંથી છેલ્લા ચાર વર્ષમાં સુરત મહાનગરપાલિકાને ૧૪૯૩ કામો માટે રૂ. ૭૪૦.૮૫ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને શહેરી સડકના ૨૯ કામો માટે રૂ. ૧૬૮.૯૪ કરોડ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાને ૦૭ કામો માટે રૂ. ૫૭.૬૮ કરોડ મળીને કુલ શહેરી સડકના ૧૫૨૯ કામો માટે ૯૬૧.૪૭ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામતળની લંબાઈમાં ૫.૫૦ મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ ૬૬૮.૩૦ કરોડ રૂપિયાની ફાળવણીની મંજુરી આપી છે.
એટલું જ નહી, જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહી હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ ૧૦૨૦.૧૫ કિ.મી.ની લંબાઈના ૭૮૭ માર્ગો સુવિધાપથ અન્વયે કોન્ક્રીટ રોડ બનશે.
આ પણ વાંચોઃ
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે