હોંગકોંગઃ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં યુવકે કર્યો ડોલરનો વરસાદ, લોકોએ કરી ભાગદોડ, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ હોંગકોંગમાં એક અબજોપતિ યુવકે શહેરમાં આવેલા એક ગીચ વિસ્તારમાં આવેલી એક ઉંચી ઇમારત પરથી ડોલરનો વરસાદ કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. અચાનક થયેલા ડોલરના વરસાદના કારણે અડધો કલાક સુધી અફડાતફડી મચી ગઇ હતી. લોકોએ ડોલર લેવા માટે પડાપડી કરી હતી.
એક રિપોર્ટ અનુસાર, 24 વર્ષીય અબજોપતિ યુવક વોંગ ચીંગ કીટની પોલીસે ધરપકડ કરી હતી. વોંગ કીટ ચીટના ફેસબુકમાં જણાવ્યા અનુસાર, તે ઇપોચ ક્રિપ્ટોકરન્સી ચલાવે છે જે જે ડિજિટલ કરન્સીમાં રોકાણને પ્રોત્સાહન આપે છે. વોંગે બિટકોઇનમાં રોકાણ કરી અબજો રૂપિયાની કમાણી કરી હતી ત્યારબાદ તેણે આ રીતે લોકોમાં રૂપિયા ઉડાવ્યા હતા. જેની પૂછપરછ કરતાં બહાર આવ્યું હતું કે તેણે અંદાજે અઢાર લાખ રૂપિયા હવામાં ઉડાવી દીધા હતા જે તેણે ક્રિપ્ટોકરન્સીમાં ગેરકાયદે ગોટાળા કરીને કમાયા હતા.
વોંગ ચીંગ કીટે આ ઘટનાનું ફેસબુક લાઇવ પણ કર્યું હતું. વીડિયોમાં જોઇ શકાય છે કે લોકો ડોલર લેવા માટે કેવી પડાપડી કરે છે. પોલીસને તેની પાસેથી 6 હજાર હોંગકોંગ ડોલર પણ મળી આવ્યા હતા. તે ત્યાંથી ભાગી જાય તે પહેલા પોલીસે તેની ધરપકડ કરી હતી. તે સિવાય પોલીસે તેની 3 કરોડ રૂપિયાની કાર જપ્ત કરી હતી.




















