Abp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી સંગીત ક્ષેત્રે પદ્મશ્રી હેમંત ચૌહાણને સન્માનિત કરાયા
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ છેલ્લા 6 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમના કામ અને નામથી ભાગ્યેજ કોઈ ગુજરાતી અજાણ હશે એવા ભજનકિંગ પદ્મશ્રી હેમંત ચૌહાણ. સૂર અને તાલની સમજ તેમને દાદા અને પિતા પાસેથી ગળથૂથીમાં મળી. એકડો લખતા પણ નહોતા શીખ્યા એ ઉંમરથી હેમંતભાઈ ગાય છે. મૂળત રાજકોટના કુંદણી ગામના હેમંતભાઈએ ચાર વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું અને અત્યારસુધીમાં આઠ હજારથી વધુ ભજન ગાઈ ચૂક્યા છે. બાળપણમાં વારસાનો ભાગ અને આનંદ માટે સંગીત શીખેલા હેમંતભાઈએ 11 વર્ષ RTO માં ક્લાર્ક તરીકે નોકરી કરી. પણ બાદમાં સંગીતને સમર્પિત રહેવા rtoની નોકરી છોડી અને માત્ર સંગીતની આરાધના જ કરી. મનોરંજન માટે જે સમયે આકાશવાણી એકમાત્ર વિકલ્પ હતો. એ સમયે પહેલીવાર હેમંતભાઈને ગાવાની તક મળી. તેમણે ગાયેલું દાસીજીવણનું ભજન ખુબ વખાણાયું. હવે તો તેઓ ગુજરાતી સંસ્કૃતિની ધરોહર સમાન ભજન,સંતવાણી,ગરબા દેશ-વિદેશમાં પહોંચાડે છે. તેમનો ચાહકવર્ગ દુર દેશાવર સુધી વિસ્તરેલો છે. સંગીતમાં તેમના યોગદાનને રાજ્ય સરકાર અને કેંદ્ર સરકારે પણ બિરાદવ્યું છે. એબીપી અસ્મિતા પદ્મશ્રી હેમંત ચૌહાણને અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માનિત કરી ખુશીની લાગણી અનુભવી રહ્યું છે.