Chhota Udaipur Rain: છોટાઉદેપુરના કવાંટમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી મિની વાવાઝોડાની સ્થિતિ
છોટાઉદેપુર જિલ્લામાં હવામાનનો મિજાજ અચાનક બદલાયો છે. જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ સહિત આસપાસના વિસ્તારોમાં આજે (૨૪ મે, ૨૦૨૫) ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
છોટાઉદેપુર જિલ્લામાં આકરી ગરમી બાદ મેઘરાજાની પધરામણી થઈ છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે (૨૪ મે, ૨૦૨૫) કવાંટ તાલુકાના પાનવડ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાનવડ સહિત કવાંટ તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે ઘણી જગ્યાએ મિની વાવાઝોડા જેવી સ્થિતિનો અનુભવ થયો હતો, જેના કારણે સ્થાનિકોમાં થોડી ચિંતા પણ જોવા મળી હતી.





















