Navsari Farmer: નવસારીમાં પૂર્ણા નદીએ સર્જી તારાજી, કેળા, ચીકુ, શેરડીના પાકને નુકસાન
ભારે વરસાદ અને નદીના પાણીથી નવસારી જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન. 2 દિવસ પહેલાં નવસારી જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પૂર્ણા નદીમાં પૂર આવ્યું હતું. પૂર્ણા નદી તેની ભયજનક સપાટી 23 ફૂટને વટાવીને 30 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા તબાહી સર્જાઈ છે. નવસારીના કુરેલ ગામમાં ખેડૂતો કેળાની ખેતી કરે છે. પૂર્ણા નદીના પાણીએ અહીં કેળાના ઉભા પાકને મોટું નુકસાન કર્યું છે. ખેડૂતોના મતે, ગામમાં અંદાજે 30 એકરમાં તેમણે કેળની કલમ રોપી છે. એક કલમ રોપવા માટે અંદાજે 20 થી 25 રૂપિયાનો ખર્ચ થાય છે. આ ઉપરાંત મજૂરી અલગથી ચૂકવવી પડે છે. આ ઉપરાંત ગામના અન્ય ખેડૂતોએ શેરડી. ચીકુ સહિતના અન્ય બાગાયતી પાકનું વાવેતર કર્યું. 20 દિવસ પહેલાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી. પરંતુ પૂર્ણા નદીમાં પૂર આવતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોની માગ છે કે તેમને નુકસાનીનું યોગ્ય વળતર મળે. હાલ તો ખેતીવાડી વિભાગની 6 ટીમ સર્વેની કામગીરી કરી રહી છે. સર્વે બાદ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલાશે.





















