(Source: ECI/ABP News/ABP Majha)
Panchmahal News | ગોધરા શહેરમાં બની રહેલા બે ઓવરબ્રિજને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ
પંચમહાલના ગોધરામાં શહેરની મધ્યમાં આવેલું બસ સ્ટેન્ડ શહેરીજનો માટે બન્યું માથાનો દુખાવો. નિર્માણાધીન બે ઓવરબ્રિજના કારણે કલાકો સુધી સર્જાય છે ટ્રાફિકજામ. બસ સ્ટેન્ડને ભુરાવાવ ST વર્કશોપ ખાતે ખસેડવા શહેરીજનોની માગ.
પંચમહાલના ગોધરા શહેરમાં બની રહેલા બે ઓવરબ્રિજને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. જેથી બસ સ્ટેન્ડને હંગામી ધોરણે અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેના કારણે એસટી બસ બાયપાસ હાઇવેથી જ ગોધરા શહેરમાં પ્રવેશ્યા વિના સરળતાથી અવરજવર કરી શકે. ગોધરા શહેરમાં વિકટ બનતી ટ્રાફિક જામની સમસ્યાને નિવારવા માટે 24 કરોડના ખર્ચે બે ઓવર બ્રિજને બનાવવામા આવી રહ્યા છે. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે શહેરના મધ્યમાં એસટી બસ સ્ટેન્ડ છે. રોજ અનેક એસટી બસ ગોધરા શહેરના માર્ગો પર થઈને અવરજવર કરતી હોય છે. જેનાં કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે..જેથી એસટી બસ સ્ટેન્ડ હંગામી ધોરણે અન્યત્ર ખસેડવાની કામગીરી કરવામા આવે તેવી માગ છે. તો આ તરફ એસટી વિભાગનું કહેવું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અને ટૂંક સમયમાં હંગામી એસ ટી બસ સ્ટેન્ડનું નિર્માણ કરી ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે.