Saurashtra Earthquake | સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો જોરદાર આંચકો, લોકો બહાર દોડી ગયા
સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં સોમવારે સાંજે 5:16 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીના ધારીથી 16 કિલોમીટર દૂર નોંધાયું હતું. જમીનથી 13 કિલોમીટર ઊંડાઈએથી આવેલા આ આંચકાની અસર વ્યાપક વિસ્તારમાં અનુભવાઈ હતી.
અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા અને ચલાલા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખાંભાના તાતણીયા ગામમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરતા કારીગરો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
રાજકોટ જિલ્લાના જેતપુર વિસ્તારમાં પણ આંચકો અનુભવાયો હતો, જ્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને અમરેલી બોર્ડર પરના ગામોમાં પણ ધરતી ધ્રુજી હતી. ભૂકંપ સમયે ગેબી અવાજ સંભળાયો હોવાનું લોકોએ જણાવ્યું હતું.
ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને અનેક લોકો સલામત સ્થળે દોડી આવ્યા હતા. જોકે, કોઈ જાનમાલનું નુકસાન થયાના અહેવાલ નથી. નિષ્ણાત સંતોષ કુમારના જણાવ્યા અનુસાર, અતિશય વરસાદના કારણે પણ ભૂકંપ આવી શકે છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.