Gujarat Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં | બાવળિયા મુદ્દે ગેનીબેન શું બોલ્યા?
Gujarat Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં | બાવળિયા મુદ્દે ગેનીબેન શું બોલ્યા?
Vinchiya Koli Sammelan 2025: રાજકોટ જિલ્લાના વીંછીયામાં યોજાયેલ કોળી સમાજના મહાસંમેલનમાં રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને પૂંજાભાઈ વંશ સહિતના અગ્રણી નેતાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે, રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ગેરહાજરીએ અનેક સવાલો ઉભા કર્યા હતા.
ગેનીબેન ઠાકોરે કુંવરજીભાઈની ગેરહાજરી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ સંમેલન સમાજનું છે અને જો તેઓ હાજર રહ્યા હોત તો સારું થાત. તેમણે પાટીદાર સમાજના યુવાનોના કેસ જે રીતે પાછા ખેંચાયા હતા, તે જ રીતે કોળી સમાજના યુવાનો પરના કેસ પણ પાછા ખેંચવાની માંગણી કરી હતી.
બીજી તરફ, કોળી સમાજના અગ્રણી ચંદ્રવદન પીઠવાલાએ સંમેલનના હેતુ અને દિશા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સંમેલન સમાજના સંગઠન માટે છે કે કોઈના અંગત સ્વાર્થને સાધવા માટે, તે એક મુંઝવણ છે. પીઠવાલાએ કોળી સમાજના પ્રશ્નોને જાહેરમાં ચર્ચવા સામે પણ અણગમો વ્યક્ત કર્યો હતો અને ચેતવણી આપી હતી કે, આમ કરવાથી સમાજનું સંગઠન તૂટી શકે છે.
પીઠવાલાએ સંમેલનના નેતાઓને પ્રશ્ન કર્યો હતો કે તેઓ માત્ર વીંછીયાને જ કેમ ટાર્ગેટ કરી રહ્યા છે, જ્યારે રાજ્યમાં અન્ય ઘણા મુદ્દાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે, કેટલાક લોકો રાજકારણમાં ઉપર આવવા માટે સમાજનો ઉપયોગ કરી રહ્યા છે અને કુંવરજીભાઈ બાવળીયાની લોકપ્રિયતાને ઓછી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વીંછીયામાં કોળી સમાજના મહાસંમેલનમાં અનેક માંગણીઓ કરવામાં આવી હતી, જેમાં વસ્તી આધારિત બંધારણીય હક્ક આપવા, 38 ટકા વસ્તી ધરાવતા કોળી-ઠાકોર સમાજને વોટ બેંક ન સમજવા, સમાજનું શોષણ બંધ કરવા, સ્વ. ઘનશ્યામ રાજપરાના પરિવારને આર્થિક સહાય કરવા, અને 83થી વધુ યુવકો પર થયેલા હત્યાના પ્રયાસના કેસ પરત ખેંચવા જેવી માંગણીઓનો સમાવેશ થાય છે. સંમેલનમાં કોળી સમાજના સૌરાષ્ટ્રના સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અને કોંગ્રેસ નેતા અવચર નાકીયા જેવા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. સંમેલનમાં વીંછીયામાં થયેલ પથ્થરમારાના કેસો પરત ખેંચવા, યુવાનોનું આર્થિક શોષણ બંધ કરવા, બહેન-દીકરીઓ પર અત્યાચાર બંધ કરવા, સમાજના યુવાનોની હત્યા બંધ કરવા અને સમાજને સંપૂર્ણ બંધારણીય હક આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરમાંથી કોળી અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં મહાસંમેલનમાં જોડાયા હતા.





















