Rahul Gandhi: રાહુલ ગાંધીએ રાજકોટ અગ્નિકાંડ પીડિતના પરિવાર સાથે વિડીયો કોલથી સંવાદ કર્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે સાંસદ રાહુલ ગાંધીએ વાતચીત કરી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ પિડીત પરિવારો સાથે વાતચીત કરી. સાથે જ રાહુલ ગાંધીએ શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ પાસેથી વિગતો પણ મેળવી.
ગુજરાતના રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે તપાસને લઇને કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતાઓ સતત જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી રહ્યા છે. તેમજ 25 જૂનના રોજ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન પણ આપ્યું છે. તેવા સમયે કોંગ્રેસના સાંસદ અને નેતા રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અગ્નિકાંડના પીડિત પરિવાર સાથે વાતચીત કરી હતી.આ પીડિત પરિવારને રાહુલ ગાંધીએ સાંભળ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતા પાસેથી પણ સમગ્ર ઘટના અને કામગીરીની માહિતી મેળવી હતી.


















