સુરતમાં વડાપ્રધાન મોદીને મળવાનો સમય માંગશે હાર્દિક, જાણો બીજી શું કહ્યું
સુરતઃ પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ હાઇકોર્ટના આદેશ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી નોંધાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે સુરતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હાર્દિકે કહ્યું કે, અમને ગુજરાત ભાજપના નેતાઓ મળતા નથી ત્યારે વડાપ્રધાન અમને મળવાનો સમય આપે નહીં પરંતુ તેમ છતાં અમે સમાજની માંગના મુદ્દા સાથે ક્લેક્ટરને અરજી કરીશું પરંતું મને નથી લાગતું કે વડાપ્રધાન મળવાનો સમય આપે.
આ સાથે હાર્દિક પટેલે ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાજરીને લઇને નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું કે, પંજાબ અને ગોવામાં મળેલી કારમી હાર બાદ આપનો ગુજરાતમાં ગજ વાગશે નહીં.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આગામી 16 એપ્રિલના રોજ સુરતમાં હોસ્પિટલ અને સુમુલ ડેરીના પ્લાન્ટ માટે આવી રહ્યા છે. હાર્દિકે જણાવ્યું હતું કે, હોસ્પિટલ ગરીબો માટે બની રહી છે. સારી વાત છે. ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠીઓના કાર્યને આવકાર છે. પરંતુ કોઈ રાજનેતા દ્વારા ખાનગી કાર્યક્રમમાં હાજર રહીને તેનું ઉદ્ધાટન કરવામાં આવે તે રાજકીય વળાંક આપવા બરોબર છે.