જૂનાગઢઃ અભિનેત્રી પરવીન બાબીના અવસાનના ૧૧ વર્ષ બાદ તેમની સંપત્તિ કોને મળે તે મામલે સ્પષ્ટતા થઇ છે. બોમ્બે હાઇકોર્ટે તેના વારસાની કાયદેસરતા સ્વીકારી છે. જે અનુસાર પરવીન બાબીએ કરેલા વિલ મુજબ મિલ્કત ત્રણ હિસ્સામાં વિભાજીત કરી દેવામાં આવી છે. જેમાં 70 ટકા બાબીવંશનાં ગરીબો માટે, 10 ટકા ખ્રિસ્તી ગરીબો માટે અને 20 ટકા પરવીન બાબીનાં મામા મુરાદખાન બાબીને સર્વિસ ચાર્જ તરીકે આપવામાં આવી છે.
2/6
પરવીનનાં 82 વર્ષીય મામા મુરાદખાન બાબી તેની સાથે સંપર્કમાં હતા. તેમને 20 ટકા સંપત્તિ સર્વીસ ચાર્જ તરીકે અપાઇ છે. અન્ય કોઇ પરિવારજનને સંપત્તિમાં હિસ્સો અપાયો નથી. ટ્રસ્ટનાં ભંડોળમાંથી 10 ટકા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજને અપાશે. જ્યાં તેણે અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રી મેળવી હતી. અને ત્યારપછી તે મોડેલીંગ અને પછી ફિલ્મોમાં આવી હતી. તેની સંપત્તિનું મૂલ્ય આંકવાનું જોકે, હજુ બાકી છે.
3/6
જૂનાગઢમાં સ્વ. પરવીન બાબીની માતા જે મકાનમાં રહેતી. એ એસબીઆઇની બાજુની મિલ્કત આમ તો પવડી હસ્તકની છે. પરંતુ તેમાંનું રાચરચીલું પરવીનની મિલ્કત છે. જેમાં 1000 વારમાં તેમનું મકાન આવેલું છે. હાલ આ મકાન ખંડેર હાલતમાં છે. જૂનાગઢ બેન્ક ઓફ ઇન્ડિયામાં લોકર છે. જૂનાગઢ બેન્ક ઓફ ઇન્ડિયામાં સ્વ. પરવીન બાબીનાં નામનું લોકર છે. કોર્ટનાં ચુકાદા બાદ આ લોકર ખોલવામાં આવશે. દિવાળી બાદ લોકર ખોલવામાં આવે તેવી શકયતા છે.
4/6
ગત શુક્રવારે પરવીનની મિલ્કતને લઇ મુંબઇ હાઇકોર્ટે ચૂકાદો આપ્યો છે. જેમાં મૃત્યુ પહેલાં પરવીન બાબીએ કરેલા વિલ મુજબ ચૂકાદો આપવામાં આવ્યો છે. વિલ મુજબ મિલ્કત ત્રણ ભાગમાં વેંચી દેવામાં આવી છે. મીલકતોમાં જુહુ દરિયાકિનારા સામે રિવેરા એપાર્ટમેન્ટનો 2300 ચોરસ ફૂટનો ફ્લેટ, જૂનાગઢમાં હવેલીમાંનું રાચ રચીલું, ઝવેરાત, બેંકોમાં રહેલી કમસેકમ 20 લાખની ડિપોઝીટ અને અન્ય રોકાણોનો સમાવેશ થાય છે. વિલ મુજબ, તેની સંપત્તિમાંથી ટ્રસ્ટ બનાવવાનું રહેશે અને ગરીબ સ્ત્રી અને બાળકોની મદદ કરવાની રહેશે.
5/6
ઉલ્લેખનીય છે કે, પરવીનનું વસીયતનામું નકલી છે એવો તેના અમુક સંબંધીઓએ કરેલો દાવો પડતો મૂક્યો છે. બોલીવુડની વિતેલા જમાનાની અભિનેત્રી સ્વ. પરવીન બાબીનું વર્ષ 2005માં મુંબઇમાં મૃત્યુ થયું હતું. બાદમાં જૂનાગઢ-મુંબઇમાં રહેલી તેની મિલ્કતનો વિવાદ ઉભો થયો હતો. બાબી કુટુંબનાં ત્રણ સભ્યો અને તેનાં મામા મુરાદખાન બાબી આ મુદ્દે કોર્ટમાં પહોંચ્યા હતા.
6/6
હાલમાં તેના પર એડમિનીસ્ટ્રેટર જનરલ એન્ડ ઓફિશીયલ ટ્રસ્ટીનું નિયંત્રણ છે. મુરાદખાને પરવીનનાં મૃત્યુ બાદ તેનું વીલ લઇને આગળ આવ્યા હતા. જેની સામે તેના સંબંધીઓએ પડકાર ફેંક્યો હતો. 14 ઓક્ટોબરે જસ્ટીસ જી. એસ. પટેલે પરવીનની ઇચ્છા અનુસાર સંપતિની વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો. અને 23 ડિસે. સુધી આદેશની અમલવારી કરવા હાઇકોર્ટે જણાવ્યું છે. આ અંગે મુરાદખાન બાબીએ કહ્યું હતું કે, મિલ્કતનાં 70 ટકા બાબીવંશનાં ગરીબની સહાય માટે, 10 ટકા ખ્રિસ્તી ગરીબ માટે અને 20 ટકા સર્વિસ ચાર્જનાં મારા ભાગે આવ્યા છે. હાલ કોર્ટમાં વેકેશન પડી ગયું છે.