ગામડેથી આવેલી મહિલાઓએ કહ્યું છે કે જમીનની સોંપણીનો કાગળ લીધા વગર પાછા ફરવાના નથી. તેથી અમારૂ અલ્ટીમેટમ છે કે, જો 72 કલાક પૂરા થયા બાદ જમીન નહીં મળે તો મણિપુર રાજયમાં થયું હતું તેમ ભાઇઓ અને બહેનો સરોડાથી અને કલેકટર કચેરીની સામે જ નિર્વસ્ત્ર થઇને રેલી કાઢીશું. ધોળકામાં પણ આ મુદ્દે દેખાવો કરવામાં આવ્યા હતા.
2/5
સંઘના સંયોજક જીજ્ઞેશ મેવાણી અને કૌશિક પરમારે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓને અમે જણાવ્યું છે કે, જો 72 કલાકમાં જમીન નહીં મળે તો પોલીસ જયાં ઉતારશે ત્યાં ફરીથી રસ્તા રોકો આંદોલન કરીશું. દલિતોને મળેલી જમીન કેમ ફાળવાતી નથી તેનો જવાબ આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે ત્યારે ફક્ત દેખાવો કરીને કાર્યક્રમ પૂર્ણ કરવાનો અર્થ નથી.
3/5
ધોળકાના સરોડા સહિતના પાંચ ગામમાં 500 જેટલા દલિતોને ખેતીની જમીન ફાળવાઇ છે પરંતુ તેનો કબજો નહીં અપાતા કલેકટર કચેરીમાંથી કયારે સોંપાશે તેની ખાતરી નહીં મળતા કચેરી સામે આખો દિવસ આ ગામમાંથી આવેલી મહિલા-પુરુષો અને દલિત સંઘના કાર્યકરો વચ્ચે ધમાચકડી ચાલી હતી. અટકાયત કરીને તેમને શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે લઇ જવાયા હતા જયાં બાફ અને ઉકળાટભર્યા વાતાવરણના કારણે પાંચ મહિલા બેભાન બની જતા તેમને સારવાર આપવામાં આવી હતી.
4/5
મહિલાઓની પણ મહિલા પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. દલિત સંઘ દ્વારા જો આ મામલે 72 કલાકમાં જમીનનો કબજો સોંપવાની ખાતરી નહીં મળે તો તે પૂર્ણ થયા બાદ સરોડા અને તે પછી અમદાવાદ કલેકટર કચેરી પાસે નિર્વસ્ત્ર રેલી કાઢવામાં આવશે તેવી ચીમકી અપાઇ છે. પોલીસ જયાં ઉતારશે ત્યાં રસ્તા રોકો કરાશે તેવી ચીમકી પણ કાર્યકરો દ્વારા અપાતા મોડી સાંજ સુધી તેમને પોલીસ વાનમાં ફેરવવામાં આવ્યા હતા.
5/5
ગાંધીનગરઃ ગુજરાત દલિત અધિકાર સંઘના કાર્યકરો અને દલિતો દ્વારા અમદાવાદ કલેકટર કચેરી ખાતે ધોળકાના સરોડા સહિતના પાંચ ગામમાં દલિતોને ફાળવાયેલી જમીનનો 9 વર્ષે પણ કબજો નહીં અપાતા આંદોલન કરવામાં આવ્યું હતું. આ મામલે કલેકટર કચેરી પાસે ત્રણ વાર રસ્તા રોકો આંદોલન કરતા પોલિસે દલિત અગ્રણી જીજ્ઞેશ મેવાણી, કૌશિક પરમાર વગેરેની ઉચકી-ઉચકીને પોલીસ વાનમાં નાખી અટકાયત કરી હતી.