(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, 24 કલાક કામગીરી કરી ઢોરથી મુક્તિ અપાવવા આદેશ
રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે રખડતા ઢોરની મુક્તિ અપાવવામાં સફળ ન થયેલ પ્રશાસનને ફટકાર લગાવી હતી
અમદાવાદઃ રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે રખડતા ઢોરની મુક્તિ અપાવવામાં સફળ ન થયેલ પ્રશાસનને ફટકાર લગાવી હતી. સાથે પાંચ સપ્ટેમ્બર સુધી 24 કલાક ઢોર પકડવાની કામગીરી કરી ઢોરથી મુક્તિ અપાવવાનો પણ આદેશ આપ્યો હતો.
અમદાવાદ શહેરમાં પાંચ સપ્ટેમ્બર સુધી કોર્પોરેશનને 24 કલાક ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા કોર્ટે હુકમ કર્યો હતો. આજે રખડતા ઢોર મુદ્દે થયેલી અરજીઓ પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. જેમાં શહેરી વિકાસ વિભાગે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો અને રાજ્યમાં 52 હજાર રખડતા પશુઓ હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. સાથે જ તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને રખડતા ઢોરનો ત્રાસ ડામવા તત્કાલ પગલાં ભરવા અને રોજિંદો રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયા છે. અને 4થી 5 દિવસમાં નવા ઢોર વાડા ઉભા કરાશે તેવો દાવો કર્યો છે.
તો આ તરફ હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે વિધાનસભામાં બિલ પસાર કર્યું તો સરકાર અમલવારી કેમ નથી કરાવતી?..જેનો સરકારે જવાબ આપ્યો કે આ સરકારની વિચારણા હેઠળ છે. આ તરફ હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનની રજૂઆત છે કે ઢોર પકડવા જતાં અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલા થાય છે. આ પ્રકારની હિંસાએ સદોષ માનવ વધનો પ્રયાસ ગણાય. આ પ્રકારના કિસ્સાઓમાં થતી FIRમાં IPC 308, 338ની કલમો લગાવવી જોઈએ. સાથે જ PASA હેઠળ કાર્યવાહી થવી જોઈએ. જો કે સરકારે માલધારીઓના બચાવમાં રજૂઆત કરતા કહ્યું કે હુમલાના કેસમાં 338ની કલમ હેઠળ ફરિયાદ કે FIRની રજૂઆત વ્યાજબી, પણ સદોષ માનવ વધના પ્રયાસનો ગુનો નોંધવો એ વધારે પડતું ગણાશે. સરકારે કોર્ટને કહ્યું કે કોર્ટના તમામ નિર્દેશોને અમલ કરાવવા સરકાર કટિબદ્ધ તો કોર્ટે પૂછ્યું હતું કે એક કિસ્સો તો બતાવો કે જ્યાં કાયદાને હાથમાં લેનારાઓ સામે તમે કડક કાર્યવાહી કરી હોય? કોર્ટે વિધાન સભામાં પસાર થયેલું બિલ કોર્ટના રેકોર્ડ પર મૂકવા સરકારને આદેશ કર્યો હતો. તો કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસએ ડિસ્ટર્બ કરનારો અને એલાર્મિંગ છે. કોર્પોરેશને કામ કર્યાનો દાવો તો કર્યો પણ રસ્તા પર કામગીરી દેખાઈ નથી. હાઇકોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નરને આદેશ કર્યો કે શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે અને ઢોર રાખનારા માથાભારે તત્વો સામે શું કામગીરી કરી, કેવી અને કઈ કલમો હેઠળ ફરિયાદ નોંધી એની તમામ વિગતો, સાથે જ કોર્પોરેશનના ઢોર પકડવાની કામગીરી કરનાર કર્મચારીઓના પ્રોટેક્શન માટે શું કાર્યવાહી થઈ રહી છે એની વિગતો રજૂ કરવામાં આવે.સાથે જ રસ્તા પર પોતાના પશુઓ રાખી અને પૈસા લઈ ઘાસ વેચનારા તત્વો સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટે કોર્પોરેશન અને પોલીસને હુકમ કર્યો હતો.
Review: 2022 ટોયોટા અર્બન ક્રૂઝર Hyryder માં શું છે ખાસ ? ખરીદતાં પહેલા વાંચો આ રિવ્યૂ
IND vs PAK: સલમાન, જોનથી લઈને શાહરુખ સુધીના સ્ટારની આ ફિલ્મોમાં જોવા મળ્યો IND vs PAK મેચનું જુનુન
Jioનો આ પ્લાન કરાવો રિચાર્જ, Disney+ Hotstar પર ફ્રીમાં જોઇ શકશો ભારત-પાકિસ્તાનની મેચ, જાણો વિગતે