(Source: ECI/ABP News/ABP Majha)
Onion: ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર, આ માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ
Onion: કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકતા ખેડૂતોની હાલત કફોડી બની છે
Onion: ભાવનગરઃ કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યમાં અનેક માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે. જોકે આ બધા વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે. વેપારીઓએ ખેડૂતોની ડુંગળીની ખરીદી શરૂ કરી હતી. હાલમા ખેડૂતોને મણ ડુંગળીના 200થી 300 રૂપિયા મળી રહ્યા છે.
ભાવનગર શહેનાં માર્કેટિંગ યાર્ડમાં 20 થી 25 હજાર ગુણીનો જથ્થો એકઠો થયો હતો જેની વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી હતી જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી હતી. જોકે નિકાસ પર પ્રતિબંધના કારણે ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોને માત્ર 200 થી 300 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે.
બીજી તરફ ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને હટાવવા હવે ખુદ ભાજપના સાંસદો અને ધારાસભ્ય મેદાને આવ્યાં છે. સૌરાષ્ટ્રમાં ખેડુત નેતા અને ભાજપ સાંસદ મોહન કુંડારીયા સહિત સાંસદ રમેશભાઈ ધડુક અને રાજેશ ચુડાસમાએ કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખ્યો અને ડુંગળી પરના પ્રતિબંધને તાત્કાલિક હટાવવા માંગ કરી છે.
તો ધોરાજીનાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા પણ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી તાત્કાલિક ડુંગળી પરના પ્રતિબંધને હટાવવા માંગ કરી છે. ડુંગળી પરના પ્રતિબંધના કારણે છેલ્લા ચાર દિવસમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે. એવામાં હવે ખુદ ભાજપના સાંસદો અને ધારાસભ્યો ખેડૂતોની મદદે આવ્યા છે. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ કૃષિમંત્રીને પત્ર લખી તાત્કાલિક ધોરણે ડુંગળીની નિકાસમાં છૂટ આપવા માંગ કરી છે. તો નિકાસ પર પ્રતિબંધના કારણે પૂરતા ભાવ ન મળતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે.
કોંગ્રેસ પણ ડુંગળી પર પ્રતિબંધ હટાવવા મેદાને
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી નિકાસ પ્રતિબંધ ને લઈ ધોરાજી પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા કાર્યકરો સાથે ડુંગળીનાં હાર પહેરી અને ડેપ્યુટી ને ડુંગળી આપી નિકાસ પ્રતિબંધ હટાવવા આવેદનપત્ર આપ્યું છે. રાજકોટ જિલ્લા પ્રમુખ લલિત વસોયા અને કાર્યકરો અને ખેડૂતોએ સુત્રોચ્ચાર કર્યા છે. કોંગ્રેસ કાર્યકરોએ ડુંગળીનાં હાર પહેરી ડુંગળી સાથે લઈ ડેપ્યુટી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.