અમદાવાદથી રાજકોટ રેડ પાડવા જતી ITની ટીમને સુરેન્દ્રનગરમાં નડ્યો અકસ્માત, 11 અધિકારીઓ ઘાયલ
વહેલી સવારે અમદાવાદથી રાજકોટ તરફ ઈન્કમટેક્સના દરોડા પાડવા અધિકારીઓ જઈ રહ્યા હતા, તે સમયે સોમાસર પાસે ગાડીના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ગાડી ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ.
સુરેન્દ્રનગરઃ અમદાવાદથી રાજકોટ ઈન્કમટેક્સના દરોડા પાડવા જતી ટીમનો સુરેન્દ્રનગરના સોમાસર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. 11 અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે અમદાવાદથી રાજકોટ તરફ ઈન્કમટેક્સના દરોડા પાડવા અધિકારીઓ જઈ રહ્યા હતા, તે સમયે સોમાસર પાસે ગાડીના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ગાડી ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ. 6 મહિલા સહિત 11 અધિકારીઓ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સુરેન્દ્રનગરની પોલીસ ટીમે તમામને અમદાવાદ રીફર કરવા માટે મદદ હાથ ધરી હતી.
જાણીતા બિલ્ડર ગ્રુપ પર આઇટીની રેડ
રાજકોટમાં લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર તવાઇ આવી છે. શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા પડ્યા છે. સોનવાણીનાં સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર દરોડા પડ્યા છે.
સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ હાથ ધરી છે. જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ ઝપટમાં આવ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ IT ત્રાટકયું છે. હરીસિંહનાં શ્રેયસ સોસાયટીનાં મકાન પર પણ ITની તપાસ શરૂ કરી છે.
RK ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર પણ ચેકિંગ શરુ કરાયું છે. RK ગ્રુપનાં મુખ્ય બે કોન્ટ્રાકટરોને ત્યાં પણ તપાસ થઈ રહી છે.
આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં પણ ઇન્કવાયરી થઇ રહી છે. રિંગરોડ પરનાં 8 પ્રોજકેટને કારણે તપાસ આવી ચડી છે. રાજકોટમાં લાંબા સમય બાદ ઓપરેશનને કારણે બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો છે. તપાસનાં અંતે કરોડોનું બેનામી નાણું મળે તેવી શકયતા છે.