ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની શરુઆત, ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી દિધી મોટી આગાહી
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે પવન અને આંધીની આગાહી કરવામાં આવી છે. હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

અમદાવાદ : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે પવન અને આંધીની આગાહી કરવામાં આવી છે. હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં ત્રણ દિવસ ભારે પવન સાથે છૂટ્ટા છવાયા સ્થળે વરસાદી ઝાપટા વરસી શકે છે. આ સમય દરમિયાન પવનની ગતિ 20થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 5થી 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ વરસવાનું અનુમાન છે. 9થી 12 જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આ સિવાય 12થી 16 જૂન દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યુ કે 18 જૂન બાદ રાજ્યમાં ચોમાસાની મજબૂત શરૂઆત થશે. 22થી 30 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસશે. અષાઢી બીજના રાજ્યમાં સામાન્ય વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન છે.
આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે 10 જિલ્લામાં વરસાદ ખાબકશે. આજે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ,વલસાડ, નવસારી,દમણ અને દાદરાનગર ,દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે. આ વિસ્તારમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આજે ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ગુજરાતના 10 જિલ્લામાં છૂટછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન
મુંબઇ સુધી ચોમાસુ પહોંચી ગયું છે. પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઇ. હવામાન વિભાગે પણ રાજયમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે.
હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં હાલ એવી કોઇ સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમાન થાય. ઉલ્લેખનિય છે કે, પૂર્વાતર રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાઇ જતાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું વહેલું આગમન થઇ ગયું છે. ટૂંકમાં રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમન ન હોવાથી તેમજ ચોમાસાના વરસાદને લાવતી કોઇ સિસ્ટમ ન હોવાથી રાજ્યમાં ચોમાસાના આગામન માટે હજું આપણે રાહ જોવી પડશે. હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં 4 જૂન સુધી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમ વરસાદનું અનુમાનછે.



















