Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકાર અને ભાજપ પ્રદેશ સંગઠનમાં ફેરફારને લઇને શું આવ્યા મોટા સમાચાર?
Gujarat: રાજ્ય સરકારના મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપના સંગઠનને લઈને મોટા સમાચાર આવ્યા છે
ગાંધીનગરઃ ગુજરાતની રાજનીતિને લઇને મોટા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, રાજ્ય સરકારના મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપના સંગઠનને લઈને મોટા સમાચાર આવ્યા છે. એબીપી અસ્મિતાને મળેલી જાણકારી મુજબ ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળમાં વિસ્તરણ કે ખાતાના ફેરફારની હાલ પુરતી કોઈ શક્યતા નથી. એટલું જ નહીં બોર્ડ અને નિગમોમાં નિયુક્તિની શક્યતા પણ દીવાળી પહેલા જણાતી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાજિક યોજના સાથે જોડાયેલા ત્રણથી ચાર બોર્ડ નિગમમાં કદાચ નિયુક્તિ થઇ શકે છે પરંતુ તે સિવાય અન્ય કોઈ પણ નિગમમાં ચેરમેન કે પદાધિકારીઓની નિયુક્તિની સંભાવના હાલ પુરતી નહીવત છે.
એટલું જ નહીં પ્રદેશ ભાજપના સંગઠનમાં કોઈ જ મોટા ફેરફારની કોઇ શક્યતા નથી. સંગઠનમાં ખાલી પડેલી બે મહામંત્રી અને એક પ્રદેશ મંત્રીનું પદ પર નિમણૂક થઇ શકે છે પરંતુ એક વાત સ્પષ્ટ છે સી.આર પાટીલના નેતૃત્વ હેઠળ પ્રદેશ ભાજપ વર્તમાન સંગઠન સાથે જ ચૂંટણી લડશે. લોકસભાની 26માંથી 26 બેઠક જીતવાની હેટ્રિક લગાવવાની વાત સી.આર. પાટીલ અગાઉ કરી ચૂક્યા છે.
એટલું જ નહીં તમામ 26 બેઠક 5-5 લાખ કરતા પણ વધુ લીડથી જીતવાનો પાટીલનો સંકલ્પ પણ છે. દીવાળી પછી જ પ્રદેશ ભાજપ લોકસભાની ચૂંટણીલક્ષી કાર્યક્રમ શરૂ કરશે. કેન્દ્રની મોદી સરકારની યોજનાઓ અને નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને આગળ કરી ચૂંટણી લડવાની રણનીતિ ઘડાઈ હોવાનું જાણવા મળ્યું છે.