એક જ દિવસે બે ડાયરા કરવા મુદ્દે દેવાયત ખવડે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
ડાયરાના પૈસા અને ગેરહાજરીની અફવાઓ વચ્ચે લોકગાયક દેવાયત ખવડનું નિવેદન: 'મેં આયોજકની પરવાનગીથી કાર્યક્રમ છોડ્યો, CCTV ફૂટેજ તપાસો'.

Devayat Khawad controversy: લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ તાજેતરમાં તેમની ગાડી પર થયેલા હુમલાના સમાચારો અને તે અંગેની અટકળોને લઈને ચર્ચામાં છે. શુક્રવારે બનેલી આ ઘટના બાદ, એવી વાતો વહેતી થઈ હતી કે દેવાયત ખવડે ડાયરાના કાર્યક્રમના પૈસા લીધા હોવા છતાં હાજર રહ્યા નહોતા, જેના કારણે આ હુમલો થયો. જો કે, દેવાયત ખવડે હવે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા રજૂ કરી છે અને પોતાનો પક્ષ મૂક્યો છે.
દેવાયત ખવડે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, "હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે દેવાયત ખવડે બે ડાયરાના કાર્યક્રમો સ્વીકાર્યા હતા, પરંતુ એકમાં હાજરી આપી અને બીજામાં ગેરહાજર રહ્યા. આ વાત તદ્દન ખોટી છે. હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે મેં સનાથલના ડાયરામાં હાજરી આપી હતી. આયોજકો ત્યાંના CCTV ફૂટેજ ચકાસી શકે છે. મેં સાંજે 8 થી 9:30 વાગ્યા સુધી સનાથલમાં કાર્યક્રમ આપ્યો હતો અને ત્યારબાદ આયોજકોની મંજૂરી લઈને જ હું પીપળજમાં અન્ય કાર્યક્રમ માટે રવાના થયો હતો."
તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, "મેં કોઈ ખોટું કામ નથી કર્યું અને કાર્યક્રમના આયોજકો પાસેથી કોઈ પૈસા લીધા નથી. હકીકતમાં, મેં બે મહિના પહેલાં પણ તેમના ભત્રીજાના લગ્નમાં કોઈપણ ફી લીધા વગર ફક્ત સંબંધના કારણે ડાયરો કર્યો હતો. મને આ ક્ષેત્રની સારી જાણકારી છે અને હું જાણું છું કે કાર્યક્રમ લીધા પછી ક્યાં જવું અને ક્યાં ન જવું. હું ફરીથી સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં કોઈપણ પૈસા લીધા વિના, ફક્ત મિત્રતાના નાતે જ સનાથલના ડાયરામાં હાજરી આપી હતી. જો કોઈને મારી હાજરી અંગે શંકા હોય, તો તેઓ ફાર્મ હાઉસના CCTV ફૂટેજ ચકાસી શકે છે, જેમાં મારી હાજરી સાંજે 8 થી 9:30 વાગ્યા સુધી સ્પષ્ટપણે જોઈ શકાય છે. મેં આયોજકની પરવાનગી લીધા પછી જ પીપળજ જવા માટે નીકળ્યો હતો."
મોરે મોરા વિશે દેવાયત ખવડ નો ખુલાસો ✌️🙏 #મોરેમોરા pic.twitter.com/UvfYZP72qX
— sanjay Chaudhary (@sanju4667855) February 22, 2025
ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડે તેમની ગાડી પર થયેલા હુમલા વિશે કોઈ સીધી ટિપ્પણી કરી નથી. પરંતુ, આ સ્પષ્ટતા તેમના પર લાગેલા આક્ષેપો અને ડાયરાના પૈસા અંગેની અફવાઓનો જવાબ આપે છે.
ઘટનાક્રમ મુજબ, શુક્રવારે દેવાયત ખવડની કાર ગાયબ થઈ હોવાના સમાચાર આવ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમણે અમદાવાદ ગ્રામ્યમાં બે કાર્યક્રમોમાં હાજરી આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ સનાથલના કાર્યક્રમમાં પૈસા લીધા હોવા છતાં ગેરહાજર રહેવાના કારણે આયોજકો નારાજ થયા હતા અને બીજા દિવસે કાર લેવા જતાં હુમલો થયો હતો.
આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં સનાથલ ગામના બે અને સાણંદના એક વ્યક્તિને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ અને ફરિયાદ નોંધાયા બાદ જ આ મામલે વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો....
વિવાદિત કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં: એક જ દિવસમાં બે ડાયરા રાખતા સાણંદ નજીક મોડી રાત્રે બબાલ





















