પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને કસ્ટોડિયલ ડેથ કેસમાં હાઈકોર્ટે આપ્યો ઝટકો, જન્મટીપની સજા રાખી માન્ય
જામજોધપુરમાં 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જન્મટીપની સજા માન્ય રાખી છે.
જામજોધપુરમાં 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જન્મટીપની સજા માન્ય રાખી છે. જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચે તેમની અરજી ફગાવી અને જણાવ્યું હતુ કે, ટ્રાયલ કોર્ટે અપીલકર્તાઓને યોગ્ય રીતે દોષિત ઠેરવ્યા છે અને અમે આ નિર્ણયને સમર્થન આપીએ છીએ. 1990ના કેસમાં પ્રથમ સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને સજા ફટકારી હતી.
1990ના જામનગર કસ્ટોડિયન ડેથ કેસમાં નીચલી કોર્ટે સંજીવ ભટ્ટને જન્મટીપની સજા ફટકારી હતી. જેની સામે પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ હાઈકોર્ટમાં ગયા હતા. પરંતુ હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી હતી. જામનગર સેશન્સ કોર્ટે વર્ષ 2019માં આ સજા સંભળાવી હતી ત્યારબાદથી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ જેલમાં છે.
શું હતો સમગ્ર મામલો ?
જામનગરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા બાદ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે TADA અધિનિયમ હેઠળ લગભગ 133 લોકોની અટકાયત કરી હતી. 30 ઓક્ટોબર, 1990ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તત્કાલિન ભાજપ પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન, અટકાયત કરાયેલ વ્યક્તિઓમાંથી એક પ્રભુદાસ વૈશ્નાની કસ્ટડીમાંથી મુક્ત થયા પછી મૃત્યુ પામ્યો હતો. તેમના પરિવારનો આરોપ છે કે ભટ્ટ અને તેમના સહયોગીઓએ તેમને કસ્ટડીમાં ટોર્ચર કર્યા હતા.