Rain Alert: ગુજરાતમાં આગામી 48 કલાક ભારે, હવામાન વિભાગની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Update: રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસશે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.

Heavy rains in Gujarat next 48 hours: રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે, 7 સપ્ટેમ્બરે, ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓ અને કચ્છ માટે અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય ઘણા વિસ્તારો માટે પણ ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વરસાદના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય બન્યું છે અને આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 4 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થતા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ પરિસ્થિતિને જોતા સ્થાનિક તંત્રને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
આવતીકાલ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ
આવતીકાલે, 7 સપ્ટેમ્બરના રોજ, હવામાન વિભાગે કુલ 5 જિલ્લાઓ માટે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કચ્છ ની સાથે સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર ના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ની સાથે સાથે ઉત્તર ગુજરાત ના પાટણ અને ગાંધીનગર તથા મધ્ય ગુજરાત ના મહીસાગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ
રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જેના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં સૌરાષ્ટ્ર ના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને બોટાદ નો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાત ના અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદ માં પણ વરસાદનું યલો એલર્ટ છે. દક્ષિણ ગુજરાત ના ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ ની સાથે સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
માછીમારોને સૂચના અને બંદરો પર સિગ્નલ
ભારે વરસાદ અને પવનની આગાહીને પગલે માછીમારોને સાવચેત રહેવાની અને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ બંદરો પર પણ સુરક્ષાના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ પગલાં દ્વારા જાનમાલનું નુકસાન અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



















