ગિરનાર ગોરક્ષનાથ મંદિરમાં મૂર્તિ ખંડિત કરનારા બહારના નહીં, પણ સેવકો જ હતા, પોલીસ તપાસમાં થયા મોટા ખુલાસા
ગત રવિવારે વહેલી સવારે જૂનાગઢના ગિરનાર પર્વત પરની ઘટનાએ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી હતી, જ્યારે ગોરક્ષનાથ મંદિરની મૂર્તિ ખંડિત કરીને ખીણમાં ફેંકી દેવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

Junagadh Girnar controversy: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા ગોરક્ષનાથ મંદિરમાં મૂર્તિ ખંડિત થવાની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ શરમજનક કૃત્યને અંજામ આપનાર અન્ય કોઈ નહીં, પરંતુ મંદિરના જ બે સેવકો – રમેશ ભટ્ટ અને કિશોર કુકરેજા – હોવાનું સામે આવ્યું છે. એસપી સુબોધ ઓડેદરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ આરોપીઓએ લોખંડના પાઈપથી કાચ તોડીને મૂર્તિને ખીણમાં ફેંકી દીધી હતી. તેમનો હેતુ મંદિરમાં મોટો ધમાકો થાય, જેથી સોશિયલ મીડિયા પર ચર્ચા થાય અને વધુ લોકો આવે, જેનાથી તેમની આવક વધે તેવો હતો. પોલીસે 156 થી વધુ કેમેરા ચેક કરીને અને 200 જેટલા લોકોની પૂછપરછ કરીને દિવસ-રાત મહેનત બાદ આ બનાવનો ભેદ ઉકેલ્યો છે.
ગોરક્ષનાથ મંદિરનો મામલો: આરોપી સેવકોનો આઘાતજનક ખુલાસો
ગત રવિવારે વહેલી સવારે જૂનાગઢના ગિરનાર પર્વત પરની ઘટનાએ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી હતી, જ્યારે ગોરક્ષનાથ મંદિરની મૂર્તિ ખંડિત કરીને ખીણમાં ફેંકી દેવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. લોકોની આસ્થાનો વિષય હોવાથી પોલીસે આ કેસને અત્યંત ગંભીરતાથી લીધો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), SOG અને DYSP ની ટીમો સહિત અલગ-અલગ ટીમો બનાવીને દરેક એંગલથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
એસપી સુબોધ ઓડેદરાએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટનાનો પર્દાફાશ કરતા જણાવ્યું કે, પોલીસે રોપ-વે અને સીડી દ્વારા આવેલા આશરે 200 જેટલા લોકોની પૂછપરછ કરી હતી અને 156 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. FSL ની તપાસ અને પોલીસના ડેમો દ્વારા એ સાબિત થયું કે કાચ તોડીને તેમાંથી મૂર્તિ તોડવી શક્ય નહોતું.
વધુ આવક મેળવવા માટે ઘડાયું ષડયંત્ર
તપાસ દરમિયાન મંદિરના જ સેવક તરીકે કામ કરતા રમેશ ભટ્ટ પર શંકા જતા પોલીસે તેની સઘન પૂછપરછ કરી હતી. રમેશ ભટ્ટે આખરે કબૂલાત કરી કે તેણે અન્ય સેવક કિશોર કુકરેજા સાથે મળીને આ કૃત્યને અંજામ આપ્યો હતો.
પોલીસના ખુલાસા મુજબ, કિશોર કુકરેજા મૂળ મહારાષ્ટ્ર, મુંબઈનો રહેવાસી છે અને તે પગારદાર કર્મચારી હોવા છતાં મંદિરમાં આવતા દાનમાંથી કટકી (નાણાંની ચોરી) કરતો હતો. બંનેએ મળીને રાત્રે પ્લાન બનાવ્યો હતો કે જો કોઈ મોટો ધમાકો કરવામાં આવે અને આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થાય, તો મંદિરની ચર્ચા વધશે, જેના કારણે વધુ લોકો દર્શન માટે આવશે. વધુ લોકો આવવાથી દાનની આવક વધે અને તેમને તેનો લાભ મળે – માત્ર આ સ્વાર્થી હેતુથી તેમણે આ કાવતરું રચ્યું હતું.
બંને સેવકોએ રાત્રે લોખંડના પાઇપથી કાચ તોડી નાખ્યા હતા, ત્યારબાદ કિશોર કુકરેજાએ મંદિર બંધ કરી દીધું હતું અને મૂર્તિને ખીણમાં ફેંકી દીધી હતી. તેમનો ઈરાદો સવારે મૂર્તિ ચોરાઈ ગઈ છે તેવું નાટક કરવાનો હતો. પોલીસે આ બંને આરોપીઓને ઝડપી લીધા છે અને આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મહત્ત્વના પોઈન્ટ્સ પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે.





















